તળાજાના બોરડા નજીક અકસ્માતમાં એકનું મોત
- દાઠા પોલીસ મથકમાં ગુનો નોંધાયો
- અજાણ્યા વાહનાચાલકે અકસ્માત સર્જી ગંભીર ઈજા પહોંચાડી
ભાવનગર : તળાજાના બોરડા ગામે ગતરોજ અજાણ્યા વાહન ચાલકે અકસ્માત સર્જ્યો હતો, જેમાં એકનું મોત નિપજ્યું છે. બનાવ અંગે દાઠા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
મહુવાના ઈન્દીરાનગર ખાતે રહેતા અહેમદભાઈ અકબરભાઈ સિંધી (સમા)એ દાઠા પોલીસ મથકમાં અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમના મોટાભાઈ કાદરખાન અકબરખાન સિંધી (સમા) (રહે.ખેરાલુ, જી.મહેસાણા)ને કોઈ અજાણ્યા વાહન ચાલકે તળાજા તાલુકાના બોરડા ગામ પાસે અડફેટે લઈ અકસ્માત સર્જી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેમને સારવાર માટે તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતા. આ અંગે દાઠા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.