Get The App

સૂરજબારી નજીક હાઇવે પર ટ્રક પાછળ ટેમ્પો ઘૂસી આવતા એકનું મોત

Updated: Mar 5th, 2025

GS TEAM

Google News
Google News
સૂરજબારી નજીક હાઇવે પર ટ્રક પાછળ ટેમ્પો ઘૂસી આવતા એકનું મોત 1 - image

હાઇવે પર એક બાદ એક અકસ્માતો, ૫ વાહનોમાં સામાન્ય નુકસાન 

અકસ્માત બાદ પાછળથી આવતા 7 જેટલા વાહનો એક બીજામાં ભટકાયા, હાઇવે પર વાહનોની કતાર લાગી 

ગાંધીધામ: સામખિયાળી નજીક સુરજબારી પુલીયા પાસે હાઇવે પર ટ્રકનું સ્ટેરીંગ ફેઈલ થઇ જતાં ટ્રક હાઇવે પર લોખંડની રેલિંગ સાથે ભટકાઈ ગઈ હતી. જેથી ટ્રકમાં થયેલા નુકસાનનું નિરીક્ષણ કરતા ટ્રક ચાલકને પાછળથી આવતા ટેમ્પો ચાલકે હડફેટે લીધો હતો. જેમાં ટ્રક ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતુ. આ બનાવમાં ટ્રક અને ટેમ્પો વચ્ચે અકસ્માત થયા બાદ અન્ય ૫ જેટલા વાહનો પણ પાછળથી અથડાતાં કુલ ૭ વાહનોના એક જ સ્થળે અકસ્માત થયા હોવાનો બનાવ બનવા પામ્યો હતો. 

પ્રાપ્ત માહિતી અનુસાર સામખિયાળી નજીક  સુરજબારી નેશનલ હાઇવે પર સવારે ૫ વાગ્યાનાં અરશામાં બનાવ બન્યો હતો. જેમાં ટ્રકનાં ચાલકે પોતાના ટ્રકનું સ્ટેરીંગ ફેઈલ થઇ જતા ટ્રક અજંતા બ્રિજ નજીક હાઇવે પરની લોખંડની રેલિંગ સાથે અથડાઈ ગઈ હતી. જેમાં ટ્રક ડ્રાઇવર નીચે ઉતરી ટ્રક પાછળ ઉભો રહી ટ્રકમાં થયેલ નુકસાનનું નિરીક્ષણ કરી રહ્યો હતો. દરમિયાન પાછળથી આવતા ટેમ્પોનાં ચાલકે ટ્રક પાછળ ટક્કર મારી અકસ્માત સર્જયો હતો. જેથી ટ્રક પાછળ ઉભેલા ૨૪ વર્ષીય અંગ્રેજખાન લશ્કરખાન ખાન (રહે. સુરતગઢ રાજસ્થાન)નું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતુ. આ અકસ્માત બાદ ટેમ્પા પાછળ આવતી અન્ય એક ટ્રક અને ટ્રેલર, બસ સહિત પાંચ વાહનો અથડાઈ ગયા હતા. અકસ્માતના કારણે સુરજબારી તરફના માર્ગે ૫ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં બનાવ અંગે સ્થાનિક પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માતમાં મરણ ગયેલ ટ્રકનાં ચાલકનાં મૃતદેહને લાકડીયાની સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. સામખિયાળી પોલીસે વધુમાં જણાવ્યુ હતુ કે, ટ્રક અને ટેમ્પા વચ્ચે થયેલા અકસ્માત બાદ પાછળથી આવતા બીજા પણ પાંચ જેટલા વાહનો પણ અકસ્માતનાં ભોગ બન્યા હતા. જેમાં એક સરકારી એસ ટી બસ પણ હતી. જોકે ટ્રક અને ટેમ્પો સિવાય અન્ય કોઈ વાહનોમાં મોટું નુકસાન થયું ન હતું કે જાનહાનિ કે ઇજાઓ થઈ ન હોવાથી સરકારી ચોપડે હજુ સુધી અન્ય કોઈ નોંધ કરવામાં આવી નથી.