શેખપુરા લીંબાસી રોડ પર જેસીબી બાઈક સાથે અથડાતા એકનું મોત

- ખેડા જિલ્લામાં અકસ્માતના બે બનાવ
- બાર મહુડી પાટિયા નજીક ટ્રકને ઓવરટેક કરી એક્ટિવા બાઈકને ટકરાતા 4 વ્યક્તિને ઈજા
માતર તાલુકાના સાયલા ગામની ખાનગી કંપનીમાં જાંબુઆ તાલુકાના કાજલી ડુંગળીમાં રહેતા પપ્પુ તોલીયા કટારા તેમજ રાકેશભાઈ ભૂરાભાઈ ડામોર નોકરી કરે છે. તા.૨૩મીની સાંજે બંને મોટરસાયકલ પર શેખુપુરા લીંબાસી રોડ ઉપરથી પસાર થતા હતા. ત્યારે ડિવાઈડર કે સાઈડ લાઈટ વગર રોડ ઉપરથી પસાર થતા જેસીબી સાથે મોટરસાયકલ અથડાતા બાઈક સવાર બંનેને ઈજા થઈ હતી. આજુબાજુના લોકોએ બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં પપ્પુ કટારા (ઉં.વ.૨૨)નું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે રાકેશભાઈ ડામોર (ઉં.વ.૨૨)ને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે કૈલાશ તોલિયા કટારાની ફરિયાદના આધારે લીંબાસી પોલીસે જેસીબીના ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો.
બીજા બનાવમાં મહુધા તાલુકાના શેરી ગામના સંજયભાઈ દલપતભાઈ ચૌહાણ અને જયંતીભાઈ મંગળભાઈ ચૌહાણ મોટર સાયકલ લઇ નડિયાદ દવાખાનાના કામે જતા હતા. ત્યારે બાર મહુડી પાટિયા નજીક સામેથી ટ્રકને ઓવરટેક કરી એક્ટિવા મોટરસાયકલને અથડાયું હતું. બાઇક સવાર સંજયભાઈ ચૌહાણ, જયંતીભાઈ ચૌહાણ તથા એક્ટિવા સવાર બંનેને રોડ પર પડી જતા ઈજા થઈ હતી. ચાર ઇજાગ્રસ્તોને સારવાર માટે નડિયાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે સંજયભાઈ દલપતભાઈ ચૌહાણની ફરિયાદ આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે એક્ટિવા ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.









