વલ્લભી૫ુર, સિહોર અને મહુવામાં એક ઈંચ વરસાદ
જિલ્લાના નવ તાલુકામાં અષાઢી મેઘમહેર વરસી
બોટાદના રાણપુરમાં ધોધમાર અઢી ઈંચ પાણી વરસ્યું, બોટાદમાં અર્ધો અને ગઢડામાં પા ઈંચ મેઘકૃપા
વલ્લભીપુરમાં આજે સવારથી જ વરસાદી વાતાવરણ રહ્યું હતું. સવારે ધોધમાર બાદ સાંજ સુધીમાં ધીમીધારે પાણી વરસતા એક ઈંચ વરસાદ નોંધાયો હતો. સાંજના ચાર વાગ્યા બાદ મેઘવિરામ રહ્યો હતો. ઉમરાળામાં સવારે ૧૦થી બપોરે ૨ વાગ્યા સુધીમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. સતત ભેજવાળું વાતાવરણ રહેતું હોવાના કારણે મચ્છરજન્ય રોગચાળો પ્રસર્યો છે. ગામમાં ઠેર-ઠેકાણે પાણીના ભરાયેલા ખાડા-ખાબોચિયા મચ્છરોની ઉત્પત્તિનું કેન્દ્ર બન્યા છે. કેટલાક વિસ્તારમાં સફાઈ કામદારો દેખાતા જ ન હોવાની પણ રાવ ઉઠી છે. ભાવનગરમાં સવારે એકાદ કલાક બાદ બપોરે અને સાંજના સમયે વરસાદ વરસ્યો હતો. સમયાંતરે થયેલી મેઘમહેરથી પોણો ઈંચ પાણી વરસતા કાદવ-કીચડનું સામ્રાજ્ય સર્જાયું હતું. ઘોામાં સાંજે પાંચ મિ.મી., સિહોરમાં સવારથી લઈ સાંજ સુધીમાં એક ઈંચ જેટલો (૨૩ મિ.મી.), પાલિતાણામાં સવારે અને સાંજે ઝાપટાંરૂપે ચાર મિ.મી. વરસાદ થયો હતો. તળાજામાં વહેલી સવારે એક મિ.મી., જેસરમાં મોડી સાંજે આઠ મિ.મી. મેઘમહેર થઈ હતી. જ્યારે મહુવા પંથકમાં બપોરે મેઘરાજાએ ધોધમાર એક ઈંચ (૨૫ મિ.મી.) પાણી વરસાવી દીધું હતું.
બોટાદ જિલ્લામાં મેઘરાજાએ આજે પણ હાજરી નોંધાવી હતી. બોટાદ શહેરમાં ૧૧ મિ.મી., ગઢડામાં ૬ મિ.મી. વરસાદ થયો હતો. તો રાણપુરમાં સિઝનનો પ્રથમ વખત કહીં શકાય તેવો અઢી ઈંચ જેટલી (૫૯ મિ.મી.) શ્રીકાર વર્ષા થઈ હતી.
ભાવનગર અને બોટાદ જિલ્લાના ડેમ વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. ખાંભડા ડેમમાં ૧૦, ઉતાવળીમાં ૧૫, કાળુભારમાં ૦૫, માલપરામાં ૧૦, કાનિયાડમાં ૨૦, ગોમામાં ૦૫, સુખભાદરમાં ૩૦, શેત્રુંજીમાં ૧૦, રજાવળમાં ૧૦, ખારો અને રોજકીમાં ૦૫-૦૫ મિ.મી. વરસાદ વરસ્યાનું સિંચાઈ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.