Gujarat

વર્ષ 2012 ના મારામારીના કેદમાં એકને 3 વર્ષની કેદ અને બેને 3 મહિનાની કેદ

By GS TEAM
17 Feb 20262 mins read
વર્ષ 2012 ના મારામારીના કેદમાં એકને 3 વર્ષની કેદ અને બેને 3 મહિનાની કેદ

- આંકલાવ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટનો ચુકાદો 

- ખેતરની જમીનના ઝઘડામાં એક જ પરિવાર સભ્યો પર હુમલો કરવાના કેસમા સજા ફટકારવામાં આવી 

આણંદ : આણંદ જિલ્લાની આંકલાવ કોર્ટ દ્વારા વર્ષ ૨૦૧૨ના એક જૂના મારામારીના કેસમાં મહત્વનો ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. આ કેસમાં ખેતરની જમીનના ઝઘડામાં એક જ પરિવારના સભ્યો પર જીવલેણ હુમલો કરવા બદલ ત્રણ આરોપીઓને કડક સજા ફટકારવામાં આવી છે.

આ ઘટના ૧૨ જૂન ૨૦૧૨ના રોજ બપોરે ૩.૦૦ વાગ્યે આંકલાવ તાલુકાના કોસિન્દ્રા માધવપુરા સીમમાં આવેલા એક ખેતરમાં બની હતી. ફરિયાદી મનુભાઈ સોલંકી અને તેમના પરિવારના સભ્યો ખેતરમાં છાપરું બનાવી રહ્યાં હતા, ત્યારે આરોપીઓએ ત્યાં આવી જમીન બાબતે તકરાર શરૂ કરી હતી. આરોપીઓએ ધારિયું, દાંતી અને લાકડીઓ જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદી મનુભાઈને માથામાં દાંતી મારવામાં આવી હતી, જ્યારે તેમના માતા માણેકબેનને ધારીયાથી ગંભીર ઈજાઓ પહોંચાડી ફેક્ચર કરવામાં આવ્યું હતું. ફરિયાદીના પત્ની અલ્પાબેનને પણ લાકડીઓ વડે મારીને ફેક્ચર કરવામાં આવ્યું હતું. આંકલાવના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા તમામ પુરાવા અને સાક્ષીઓની તપાસ બાદ ૧૦ ફેબુ્રઆરી ૨૦૨૬ના રોજ હુકમ કરવામાં આવ્યો હતો. જેમાં જાલમભાઈ રાયસિંગભાઈ સોલંકી (રહે. કોસીન્દ્રા, તા, આંકલાવ)ને ૩ વર્ષની સાદી કેદની સજા અને દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે આરોપીઓ રમણભાઈ રાયસિંગભાઈ સોલંકી (રહે. કોસીન્દ્રા, તા. આંકલાવ) અને લક્ષ્મણભાઈ ચંદુભાઈ સોલંકી (રહે. દાદપુરા, તા. બોરસદ)ને ૩ મહિનાની સજા કરવામાં આવી છે. જોકે આરોપી રાયસીંગભાઈ મહીજીભાઈ સોલંકીનું ટ્રાયલ દરમિયાન મૃત્યુ થતા તેમની સામેનો કેસ પડતો મૂકવામાં આવ્યો હતો.