રાતે હાઇવે પર ઉભેલા કન્ટેનરમાં ટેમ્પો ઘુસી જતા એકનું મોત

વડોદરા,હાઇવે પર તરસાલી બ્રિજથી કપુરાઇ ચોકડી વચ્ચે રોડ પર ઉભેલા કન્ટેનર ટ્રકમાં પાછળથી ટેમ્પો ઘુસી જતા ટેમ્પામાં બેસેલા યુવકનું મોત થયું હતું.
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના પહાડ ગામે તડવી ફળિયામાં રહેતો નિલેશ નટુભાઇ તડવી અને તેનો મિત્ર તૌસિફ શબ્બીરભાઇ રાઠોડ ગઇકાલે રાતે છોટા હાથી ટેમ્પો લઇને તરસાલીથી તિલકવાડા આવવા નીકળ્યા હતા. તૌસિફ ટેમ્પો ચલાવતો હતો. જ્યારે નિલેશ તેની બાજુમાં બેઠો હતો.રાતે સાડા દશ વાગ્યે તરસાલી બ્રિજથી કપુરાઇ ચોકડી આવતા હાઇવે પર આગળ ઉભેલા ટ્રક કન્ટેનરમાં ટેમ્પો પાછળથી ઘુસી જતા નિલેશ તડવીને માથા તેમજ છાતીમાં ગંભીર ઇજા થઇ હતી. જ્યારે તૌસિફને પણ ઇજા થઇ હતી. ગંભીર ઇજા થતા નિલેશ તડવીનું મોત થયું હતું. જ્યારે તૌસિફને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કપુરાઇ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








