મોડીરાતે પ્રિયા ટોકિઝ રોડ પર આગળ જતી કારમાં બાઇક અથડાતા એકનું મોત
હાઇવે પદમલા બ્રિજ પાસે વાહનની અડફેટે ઇજાગ્રસ્ત મોપેડ સવાર સિનિયર સિટિઝને જીવ ગુમાવ્યો
વડોદરા,પદમલા બ્રિજ નજીક અજાણ્યા વાહનની ટક્કરે મોપેટ સવાર સિનિયર સિટિઝનનું મોત થયું હતું. જ્યારે પ્રિયા ટોકિઝ રોડ પર આગળ જતી કારમાં બાઇક સવાર અથડાતા બાઇક ચાલકને ઇજા થઇ હતી. જ્યારે પાછળની સીટ પર બેઠેલા યુવકનું મોત થયું હતું.
આણંદ જિલ્લાના અડાસ ગામે રામજી મંદિર પાસે રહેતા ૬૨ વર્ષના પ્રવિણભાઇ નટવરભાઇ સાધુ નિવૃત્ત જીવન ગુજારે છે અને હાલમાં આશીયાના સોસાયટી, નિઝામપુરા બસ ડેપોની પાછળ રહે છે. ગઇકાલે બપોરે તેઓ નિઝામપુરાથી ઇલેક્ટ્રિક મોપેડ લઇને આણંદના અડાસ ગામે જવા માટે નીકળ્યા હતા. વડોદરાથી આણંદ જતા નેશનલ હાઇવે - ૪૮ પર રણોલી બ્રિજ અને પદમલા બ્રિજ વચ્ચે એક અજાણ્યા વાહન ચાલકે તેઓના મોપેડને ટક્કર મારતા તેઓને માથા, બંને હાથ, પગ પર ઇજા થઇ હતી. તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, તેઓનું મોત થયું હતું. જે અંગે છાણી પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, ભાયલી કેનાલ રોડ પર સ્ટોનગેટ બિલ્ડિંગમાં રહેતો મોટિવેશનલ સ્પીકર મોહિત સુરેશભાઇ તહિલીઆની અને તેની પત્ની અયંકા ગઇકાલે વારસિયા વિસ્તારમાં રહેતા મામાના ઘરે જમવા ગયા હતા. જમીને રાતે તેઓ પરત આવી રહ્યા હતા. તે દરમિયાન રાતે ૧૨ વાગ્યે પ્રિયા ટોકિઝ જવાના મેન રોડના ડિવાઇડરના કટ નજીક પાછળથી એક બાઇક સવાર જોરથી અથડાતા બાઇક ચાલક રોડ પર પડયો હતો જ્યારે બાઇકની પાછળની સીટ પર બેઠેલો યુવક ઉછળીન રોડ પર પટકાયો હતો. બંનેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાઇક ચાલકનું નામ વેદાંશુ વિપુલભાઇ શાહ, ઉં.વ.૧૯ (રહે. શૈલેષ ચેમ્બર્સ, આર.વી.દેસાઇ રોડ) હોવાનું જાણવા મળ્યું છે.