લાલુજીના મુવાડી પાસે ટ્રેક્ટર પાછળ રિક્ષા ઘૂસી જતા એકનું મોત ઃ ત્રણ ઘાયલ
દહેગામ કપડવંજ હાઇવે ઉપર અકસ્માત
સાહેબજીના મુવાડાના ગ્રામજનો કમાલબંધ વાસણાથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન અકસ્માતની ઘટના
ગાંધીનગર : દહેગામ કપડવંજ હાઇવે ઉપર લાલુજીના મુવાડી પાસે ગઈકાલે રાત્રે આગળ જઈ રહેલા ટ્રેક્ટર ટ્રોલી ની પાછળ રીક્ષા ઘૂસી જતા તેમાં સવાર ચાર પૈકી એક વ્યક્તિનું ગંભીર ઇજાઓને કારણે મોત થયું હતું જ્યારે અન્ય ત્રણને નાની મોટી ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જે અંગે દહેગામ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી
રહી છે ત્યારે ગઈકાલે રાત્રે દહેગામ કપડવંજ હાઇવે ઉપર સર્જાયેલા વધુ એક અકસ્માતમાં
એક વ્યક્તિનું મોત થયું છે. જે સંદર્ભે મળતી વિગતો પ્રમાણે દહેગામના સાહેબજીના
મુવાડા ખાતે રહેતા રમેશભાઈ બકાભાઇ પ્રજાપતિ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, ગઈકાલે તેમના
પિતા બકાભાઈ ભલાભાઈ પ્રજાપતિ તેમના કુટુંબી વિહાભાઈ બલાભાઈ પ્રજાપતિ અને કલ્પેશ
વિહાભાઈ પ્રજાપતિ સાથે યોગેશભાઈ શનાભાઈ પંચાલની રીક્ષામાં કમાલબંધ વાસણા ગામે ગયા
હતા. રાત્રે લગભગ ૯ વાગ્યાની આસપાસ,
યોગેશભાઈ પંચાલે ફોન કરીને જણાવ્યું કે તેઓ પોતાની રીક્ષા લઈને દેવકરણના
મુવાડાથી પસાર થઈ રહ્યા હતા ત્યારે લાલુજીની મુવાડી બસ સ્ટેન્ડ પાસે આગળ જઈ રહેલા
ટ્રેક્ટરની ટ્રોલી સાથે તેમની રીક્ષા અથડાઈ હતી, જેના પરિણામે તેમને ઈજાઓ થઈ હતી.આ અકસ્માતમાં યોગેશભાઈને પણ
ઈજાઓ થતાં તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યારે વિહાભાઈને
મિશિકા હોસ્પિટલ, દહેગામ
ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. રમેશભાઈના પિતા બકાભાઈ પ્રજાપતિને દહેગામની સરકારી
હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા,
જ્યાં રમેશભાઈએ જઈને જોયું તો તેમને શરીર અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી
અને તેમનું મૃત્યુ થયું હતું. જેથી આ ઘટના અંગે દહેગામ પોલીસ દ્વારા રિક્ષાચાલક
સામે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.