Gujarat

ગટરના પાણી ટ્રીટ કરવા માટે એક કરોડનો પ્લાન્ટ બનાવનાર મ્યુનિ. કોર્પોરેશને વસ્ત્રાપુર તળાવમાં છ ગટરના જોડાણ કાપ્યાં

By GS TEAM
25 Jun 20252 mins read
ગટરના પાણી ટ્રીટ કરવા માટે એક કરોડનો પ્લાન્ટ બનાવનાર મ્યુનિ. કોર્પોરેશને વસ્ત્રાપુર તળાવમાં છ ગટરના જોડાણ કાપ્યાં

અમદાવાદ,બુધવાર,25 જુન,2025

ગટરના ગંદા પાણીને ટ્રીટ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દસ વર્ષ પહેલાં વસ્ત્રાપુર તળાવ ખાતે એક મિલીયન લિટર પર ડેની ક્ષમતા ધરાવતો ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવ્યો હતો. એજ મ્યુનિસિપલ કોર્પોરેશને વસ્ત્રાપુર તળાવમાં ગટરનુ ગંદુ પાણી છોડતા છ જોડાણ કાપ્યા છે. ગટરના જોડાણ કાપવાના હતા તો ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ શા માટે બનાવાયો હતો એનો સત્તાધીશો પાસે કોઈ ચોકકસ જવાબ નથી. ફેબુ્આરી-૨૦૨૪થી વસ્ત્રાપુર તળાવને ડેવલપમેન્ટના ઓઠા હેઠળ લોકો માટે બંધ કરાયો છે. ડેવલપમેન્ટનો ખર્ચ રુપિયા પાંચ કરોડથી વધીને રુપિયા બાર કરોડ ઉપર પહોંચ્યો છે. ૧૬ મહીનાથી ડેવલપમેન્ટના નામે બંધ કરાયેલા વસ્ત્રાપુર તળાવની કામગીરી આ વર્ષે સપ્ટેમ્બર અંત સુધીમાં પુરી થવાની સંભાવના વ્યકત કરાઈ છે.

બોડકદેવ વોર્ડમાં આવેલુ વસ્ત્રાપુર તળાવ ઔડા દ્વારા વર્ષ-૨૦૦૩ પહેલાં ડેવલપ કરવામાં આવ્યુ હતુ.  આશરે એક દાયકા પહેલા એક કરોડનો  ખર્ચ કરી આ તળાવમાં આવતા ગટરના પાણીને ટ્રીટ કરવા ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાયો હતો. પાણી સમિતિના ચેરમેન દિલીપ બગરીયાના કહેવા મુજબ, હાલ આ પ્લાન્ટની ક્ષમતા ૦.૫ મિલીયન લિટર પર ડેની જ છે. તળાવ ડેવલપ થયા પછી પ્લાન્ટની ક્ષમતા વધારી બે એમ.એલ.ડી. કરાશે.આ તળાવ રીડેવલપ કરવા આ વર્ષે ૨૭ ફેબુ્રઆરીથી ૨૭ ઓગસ્ટ-૨૦૨૪ સુધીના સમય સુધી લોકો માટે બંધ કરવામા આવ્યુ હતુ.અગાઉ આ તળાવના ડેવલપમેન્ટ માટે રુપિયા  ૫.૧૫ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો.રીવાઈઝ ટેન્ડર કરાતા આ રકમ વધીને રુપિયા ૮.૨ કરોડ ઉપર પહોંચી હતી.લેકના અપર વોક-વેની બંને બાજુએ કર્બ સ્ટોનના બદલે આર.સી.સી.ની દિવાલ બનાવવામાં આવશે.તળાવની અંદરના સ્લોપના ભાગમાં હયાત રબલ પીચીંગના ભાગમાં મોટાપાયે ધોવાણ થયુ છે.રબલ પીચીંગ આર.સી.સી.ગ્રીડ વગર ટકી શકે એમ નથી.બીડ ગ્રીડ સ્ટ્રકચરની કામગીરી કરાવવી પડશે.કોન્ટ્રાકટર ઉમિયાવિજય ઈન્ફ્રાકોનના રુપિયા ૮.૨ કરોડના રીવાઈઝ ટેન્ડરને મંજુરી આપવામાં આવી  હતી. આ ઉપરાંત તળાવ ડેવલપમેન્ટની સાથે ફુડ કોર્ટ બનાવવા નિર્ણય કરાતા કલાકારોએ વિરોધ કરતા એમ્ફી થીયેટરને  પણ ડેવલપ કરવાનો નિર્ણય કરાતા સમગ્ર વસ્ત્રાપુર તળાવ ડેવલપમેન્ટનો ખર્ચ રૃપિયા બાર કરોડ સુધી પહોંચશે.

વસ્ત્રાપુર તળાવ પાછળ કયારે-કેટલો ખર્ચ કરાયો?

૧.વર્ષ-૨૦૧૪માં ચીનના રાષ્ટ્રપ્રમુખ જિનપીંગની મુલાકાત સમયે વસ્ત્રાપુર લેકમાં રુપિયા ચાલીસ લાખની કીંમતનો એક એવા ચાર ફુવારા મુકવામાં આવ્યા હતા.

૨.વસ્ત્રાપુર તળાવ પાસે આવેલી નરસિંહ મહેતાની પ્રતિમા ઉપર છત્રી મુકવા રુપિયા પચાસ લાખનો ખર્ચ કરવામા આવ્યો હતો.

૩.સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ પ્રોજેકટ અંતર્ગત તળાવની અંદર અને બહાર રુપિયા એક લાખની કીંમતનો એક એવા કુલ ચાલીસ સી.સી.ટી.વી.કેમેરા લગાવવામાં આવ્યા હતા.

૪.વસ્ત્રાપુર લેકની મુલાકાતે આવતા મુલાકાતીઓ માટે મ્યુઝિક સિસ્ટમ મુકવામા આવી હતી.

૫.વસ્ત્રાપુર તળાવને ટ્રીટ કરેલા પાણીથી ભરેલુ રાખવા રુપિયા એક કરોડના ખર્ચથી ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો.