શહેરના નેશનલ હાઈવે નંબર ૪૮ પરથી કપુરાઈ પોલીસે દારુનો જથ્થો ભરેલી કાર સાથે ચાલકને ઝડપી પાડી રૂ. ૫.૪૪ લાખની કિંમતનો વિદેશી દારુનો જથ્થો કબજે કરી અન્ય બે શખ્સોને ફરાર જાહેર કર્યા છે.
ગઈ તા. ૧૩ જાન્યુઆરીએ રાત્રે પોલીસ ટીમને બાતમી મળી હતી કે, દારૂનો જથ્થો ભરેલી એક કાર વોરાગામડી તરફથી નેશનલ હાઈવે નં. ૪૮ તરફ જઈ રહી છે. જેના આધારે પોલીસે સમસ્ત મુસ્લિમ સમાજ કબ્રસ્તાન પાસે વોચ ગોઠવી બાતમી મુજબની કારને રોકી તપાસ કરી હતી.
કારચાલક ભુપેન્દ્ર ભારતસિંહ તોમર (રહે–મધ્યપ્રદેશ) હોવાનું જાણવા મળ્યું હતું. કારની તલાસી દરમિયાન તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસની પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે, આ દારૂનો જથ્થો કારના માલિક બાપુસિંગ તોમર (રહે – મધ્યપ્રદેશ)એ કારમાં ભરી આપ્યો હતો અને વોરાગામડી ખાતે રહેતા સોનુ નામના વ્યક્તિને આપવાનો હતો.
પોલીસે દારૂની નાની-મોટી મળી કુલ ૮૪૦ બોટલ, જેની કિંમત રૂ. ૫,૪૪,૨૧૨ થાય છે, તેમજ કાર સાથે કુલ રૂ. ૧૩,૪૪,૨૧૨નો મુદ્દામાલ કબ્જે કર્યોહતો. દારૂ મોકલનાર અને મંગાવનાર બંનેને પોલીસે ફરાર જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે.


