જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર હાપા નજીક એક રીક્ષા અકસ્માતે પલટી મારી ગઈ હતી, જે રીક્ષાની અંદર બેઠેલા એક શ્રમિક દંપતિ અને તેના દોઢ વર્ષના બાળકને ઇજા થયા બાદ બાળકનું કરુણ મૃત્યુ નીપજ્યું છે, જ્યારે દંપત્તિને સામાન્ય ઈજા થઈ છે. જે મામલે રીક્ષા ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં સોનાપુરી પાછળના ભાગમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની શેરસિંહ સમરુભાઈ વાસકેલા (ઉ.વ.27) કે જે પોતાના પત્ની છેતરીબેન (25 વર્ષ) તથા તેનો દોઢ વર્ષનો પુત્ર રાજવીર કે જેઓ મજૂરી કામ કરવા ગામે ધુંવાવ ગામે ગયા હતા, અને ત્યાંથી રિક્ષામાં બેસીને પરત ફરી રહ્યા હતા.
જે દરમિયાન હાપા નજીક રીક્ષા ચાલકે કાબુ ગુમાવી દેતાં રિક્ષા પલટી મારી ને રોડની નીચે ઉતરી ગઈ હતી. જે અકસ્માતમાં શ્રમિક દંપતિ ઘાયલ થયું હતું, તેમજ તેના દોઢ વર્ષના પુત્રને માથામાં હેમરેજ સહિતની ગંભીર ઈજા થતાં તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું જેથી શ્રમિક પરિવારમાં ભારે ગમગીની છવાઈ હતી.
ઇજાગ્રસ્ત શ્રમિક દંપતિને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે, જ્યારે શ્રમિક યુવાન શેરસિંહ વાસ્કેલા ની ફરિયાદના આધારે પંચકોશી એ. ડિવિઝનના એ.એસ.આઈ. શોભરાજસિંહ જાડેજાએ સીએનજી રીક્ષા નંબર જી.જે.10 ટી. ડબલ્યુ. 4504ના ચાલક સામે ગુનો નોંધ્યો છે, અને રીક્ષા કબજે કરી લીધી છે.


