સોમનાથ, જુનાગઢ, અમદાવાદ, કચ્છ અને સુરેન્દ્રનગર જિ.માં દોઢથી અઢી ઈંચ

ખેડૂતોમાં ડીપ્રેસન લાવી દેતું 'ડીપ્રેસન',તૈયાર કૃષિપાકનું ધોવાણ
મોરબીનો મચ્છુ ડેમ ઓવરફ્લો, ધોરાજી, મોરબી, ખંભાળિયા પંથક સહિત સાર્વત્રિક મુશળધાર માવઠાંથી જનજીવનને અસર
રાજકોટ: અરબી સમુદ્રના ડીપ્રેસનએ ખેડૂતોમાં ડીપ્રેસન (નિરાશા) લાવી દીધી છે. કૃષિપાકો વેચવાના સમયે મુશળધાર માવઠાંએ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કિસાનોની હાલત કફોડી બનાવી દીધી છે.આજે પણ સાંજે ૬ સુધીમાં રાજ્યના ૧૧૯ તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો જેમાં ગીર સોમનાથ, જુનાગઢ, અમદાવાદ, કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં દોઢથી બે ઈંચ તથા મોરબી, દ્વારકા, અમરેલી,વડોદરા, પોરબંદર, રાજકોટ, પાટણ સહિત અન્ય જિલ્લાઓમાં પણ ધોધમાર ઝાપટાં રૂપે વરસાદ નોંધાયો છે.
આજે ગીર સોમનાથ જિ.ના તાલાલા,પાટણ વેરાવળ અને સૂત્રાપાડા તાલુકામા દોઢથી બે ઈંચ, જુનાગઢ જિલ્લામાં ગત રાત્રિથી આજ સાંજ સુધીમાં ગીરનાર અને મેંદરડામાં અઢી ઈંચ, માળિયા,માંગરોળ, વિસાવદર, કેશોદ પંથકમાં બે ઈંચ અન્યત્ર એક ઈંચ સુધી વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા હતા. સતત ચાર દિવસથી સોરઠમાં માવઠાંથી ખેતીવાડીની માઠી દશા બેઠી છે. રાજુલામાં ગઈકાલે ૭ ઈંચ પછી રાત્રે વધુ દોઢ ઈંચ વરસાદ અને અન્યત્ર ઝાપટાં જારી રહેતા અમરેલી જિ.માં કૃષિપાકોનું વ્યાપક ધોવાણ થયું છે. રાજકોટમાં મોડી રાત્રે અર્ધો ઈંચ, જેતપુરમાં આજે પોણો ઈંચ, જુનાગઢમાં એક ઈંચ સાથે જનજીવનને પ્રતિકૂળ અસર પડી છે.
મોરબી,ટંકારા, વાંકાનેર, માળિયા, હળવદ તાલુકામાં અર્ધોથી એક ઈંચ વરસાદથી મગફળી,સોયાબીન સહિત પાકમાં નુક્શાની થઈ છે તો ભર શિયાળે મોરબીનો મચ્છુ-૨ ડેમ છલકાતા એક દરવાજો ખોલાયો હતો. ધોરાજી શહેર તથા ગ્રામ્યમાં પરબડી, તોરણીયા, જમનાવડ,નાનીમારડ સહિત વિસ્તારમાં વરસાદથી પાકને નુક્શાન થયું છે. ખંભાળિયાથી અહેવાલ મૂજબ ગત રાત્રિથી ખંભાળિયા તાલુકામાં બે ઈંચ વરસાદથી મગફળી પાણીમાં ડુબ્યાના દ્રશ્યો વાયરલ થયા છે. માર્ગો પર કીચડનું સામ્રાજ્ય છવાયું છે. કલ્યાણપુર તા.માં એક ઈંચ, ભાણવડ અને દ્વારકામાં પણ અર્ધો ઈંચ વરસાદ ખાબક્યો હતો.
સૌરાષ્ટ્ર ઉપરાંત આજે અમદાવાદ જિ.ના બાવળા,ધોળકા તા.માં દોઢ ઈંચ, સાણંદ,ધોલેરા, માંડલ, ધંધુકા,વિરમગામ,દેત્રોજ રામપુરા વગેરે તાલુકામાં સર્વત્ર ઝાપટાંથી એક ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. જ્યારે સુરેન્દ્રનગર જિ.ના વઢવાણ દોઢ ઈંચ, ચુડા એક ઈંચ, મુળી, દસાડા,લખતર, ધ્રાંગધ્રા, લિમડી,ચોટીલા, થાનગઢ તાલુકા સહિત સાર્વત્રિક કમોસમી વરસાદ વરસ્યો હતો. ઉપરાંત પોરબંદર,ભાવનગર, બોટાદ, મહેસાણા, કચ્છ, આણંદ, પાટણ, વડોદરા,ખેડા,છોટા ઉદેપુર, બનાસકાંઠા,સાબરકાંઠા સહિત રાજ્યમાં હળવાથી ભારે વરસાદ જારી રહ્યો હતો.
- ગુજરાતમાં મોસમ-કમોસમનો કૂલ વરસાદ 44 ઈંચથી વધારે
રાજકોટ: ગઈકાલે ગુજરાતમાં સરેરાશ ૩ ઈંચ અને આજે અર્ધાથી પોણો ઈંચ સાથે રાજ્યમાં આજ સુધીમાં કૂલ ૪૪ ઈંચથી વધુ નોંધાયો છે. કૂલ ૨૫૧ પૈકીના ૧૧૨ તાલુકામાં તો ૪૦ ઈંચ કરતા વધુ , ૧૨૫ તાલુકામાં ૨૦ ઈંચથી વધુ વરસાદ છે. આજની સ્થિતિએ રાજ્યના ૪૧ માર્ગો વરસાદથી ભરશિયાળે બંધ છે, ૨૬ હજાર થાંભલાને નુક્શાનથી કૂલ ૧૮ હજાર ગામોના વિજવિક્ષેપ સર્જાયો છે. રાજ્યમાં એકંદરે નોર્મલ કરતા ૨૫ ટકા વધુ જ્યારે સૌરાષ્ટ્રમાં ૧૭ ટકા,દક્ષિણ ગુજરાતમાં ૩૦ ટકા વધુ વરસાદ નોંધાયો છે.
- ગુજરાતના તમામ બંદરોએ ભયસૂચક સિગ્નલો જારી
રાજકોટ: ગુજરાતનો દરિયો તોફાની બનતા અને ડીપ્રેસન નજીક આવી રહ્યું છે ત્યારે આજે પણ રાજ્યના તમામ બંદરોએ ભયસૂચક સિગ્નલ એલ.સી.-૩ લગાવાયા છે અને દરિયો નહીં ખેડવા ચેતવણી છે.
- વહીવટી તંત્રના સ્ટાફને સ્ટેન્ડ ટુ રાખવા આદેશો
રાજકોટ: રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ અન્વયે અમરેલી,જુનાગઢ, સોમનાથ, ભાવનગર, ભરુચ સહિત જિલ્લાઓ સાથે સરકારે બેઠક યોજીને કોઈ હેડક્વાર્ટર છોડે નહીં અને જોખમને પહોંચી વળવા એલર્ટ રહી કામગીરી કરવા આદેશો જારી કર્યા છે. એસડીઆરએફની ૫ ટીમ તૈનાત છે, એનડીઆરએફની ૧૫ ટીમો સ્ટેન્ડ ટુ રખાઈ છે.

