Get The App

દોઢલાખ વાહન ચાલકોને લાભ થશે, ૮૯ કરોડના ખર્ચે તૈયાર થયેલા સતાધાર ફલાયઓવરનુ આજે લોકાર્પણ કરાશે

ઘાટલોડીયા, સોલા,થલતેજ, ચાણકયપુરી વિસ્તારના રહીશોને ટ્રાફિકમાં સરળતા મળશે

Updated: Mar 28th, 2026

GS TEAM

Google News
Google News
દોઢલાખ વાહન ચાલકોને લાભ થશે, ૮૯ કરોડના ખર્ચે તૈયાર થયેલા સતાધાર ફલાયઓવરનુ આજે લોકાર્પણ કરાશે 1 - image

       

 અમદાવાદ,શનિવાર,28 માર્ચ,2026

અમદાવાદમા સતાધાર જંકશન ઉપર ૮૯.૮૧ કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલા સતાધાર ફલાયઓવર બ્રિજનુ આજે લોકાર્પણ કરાશે.બ્રિજ કાર્યરત થવાથી દોઢલાખ વાહન ચાલકોને લાભ થશે. ખાસ કરીને ઘાટલોડીયા, સોલા,થલતેજ અને ચાણકયપુરી વિસ્તારના રહીશોને ટ્રાફિકમાં સરળતા મળશે.

રાજયના મુખ્યમંત્રી દ્વારા અમદાવાદના અનેક વિકાસકામોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ આજે રવિવારે કરવામા આવશે.ઉત્તર-પશ્ચિમ ઝોનમાં જનતાનગરથી સાંઈબાબા જંકશન થઈ સતાધાર જંકશન થઈ સન એન્ડ સ્ટેપ કલબ થઈ સુરધારા સર્કલ તરફ ૯૩૬ મીટર લંબાઈ તથા ૧૬.૬૦ મીટર પહોળાઈનો  ફોરલેન ફલાયઓવરબ્રિજ બનાવવામા આવ્યો છે.સતાધાર જંકશનના ઓબ્લીગેટરી સ્પાનની લંબાઈ ૩૫ મીટર અને કલીયર હાઈટ ૫.૫૦ મીટર રાખવામા આવી છે.કર્મચારીનગરથી કલાસાગર મોલ તરફ વાહનોની અવરજવર થઈ શકે એ માટે સાંઈબાબા મંદિર જંકશનના સ્પાનની લંબાઈ ૨૦ મીટર તથા કલીયર હાઈટ ૩.૮૦ મીટર રાખવામા આવી છે.ગુરુકુળ રોડથી સતાધાર જંકશન તરફ વાહનોની અવરજવર થઈ શકે એ માટે સન એન્ડ સ્ટેપ જંકશનના સ્પાનની લંબાઈ ૨૦ મીટર તથા કલીયર હાઈટ ૩.૫૦ મીટર રાખવામા આવી છે.

થલતેજ,ઓગણજ અને જગતપુર તળાવનુ લોકાર્પણ કરાશે

ગોતા વોર્ડમાં રુપિયા ૮ કરોડના ખર્ચથી ઓગણજ ગામ તળાવ, ચાંદલોડીયા વોર્ડમાં રુપિયા ૬.૭૨ કરોડના ખર્ચે જગતપુર તળાવ તથા રુપિયા ૫.૫૦ કરોડના ખર્ચથી થલતેજ તળાવ ડેવલપ કરવામા આવ્યા છે. આ તળાવ લોકો માટે ખુલ્લા મુકવામા આવશે. નવા વાડજ વોર્ડમાં સર્કલમાં રુપિયા ૬૫ લાખના ખર્ચથી ભારત માતાનુ સ્ટેચ્યુ મુકવામા આવ્યુ છે.જેનુ લોકાર્પણ કરાશે.