Gujarat

સવા લાખ લોકોને લાભ મળશે , ચાંદખેડા, થલતેજ વોર્ડમાં ૩૮ કરોડના ખર્ચે નવા વોટર સ્ટેશન બનાવવા મંજૂરી

By GS TEAM
25 Jul 20251 min read
સવા લાખ લોકોને લાભ મળશે , ચાંદખેડા, થલતેજ વોર્ડમાં  ૩૮ કરોડના ખર્ચે નવા વોટર સ્ટેશન બનાવવા મંજૂરી

 અમદાવાદ,શુક્રવાર,25 જુલાઈ,2025

અમદાવાદના ચાંદખેડા અને થલતેજ વોર્ડમાં રુપિયા ૩૮ કરોડના ખર્ચથી નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવા પાણી સમિતિની બેઠકમાં મંજૂરી અપાઈ છે. પમ્પહાઉસ સાથેની ભૂગર્ભ અને ઓવરહેડ પાણીની ટાંકી તૈયાર થવાથી સવા લાખ લોકોને પાણી પુરતા પ્રેસરથી મળતુ થશે.

ચાંદખેડા ગામથી સરદાર પટેલ રીંગ રોડ તરફના વિસ્તારનો ઝડપથી વિકાસ થઈ રહયો છે.વસતી પણ વધી રહી છે. હાલમાં આ વિસ્તારમાં ખાનગી બોરથી રહીશો પાણી મેળવે છે.ચાંદખેડા ગામમા પાણીનો સ્ટેગર્ડ સપ્લાય આપવામા આવે છે.જેના કારણે પાણી પુરતા પ્રેસરથી નહી મળતુ હોવાની લોકો કોર્પોરેશનને ફરિયાદ કરે છે.૬૪ લાખ લીટરની ક્ષમતા ધરાવતી પાણીની ઓવરહેટ ટાંકી સાથે રુપિયા ૧૬.૯૯ કરોડના ખર્ચથી નવુ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવા કોન્ટ્રાકટર નયન સી શાહ જોઈન્ટ વેન્ટર સન ટ્રેડીંગ કુ.ને કામ અપાયુ છે.

થલતેજ વોર્ડમાં સરદાર પટેલ રીંગ રોડથી ગોતા-ગોધાવી કેનાલ અને તેની આસપાસના વિસ્તારના વિકાસને ધ્યાનમાં રાખીને શીલજ-આંબલી ટી.પી.સ્કીમ નંબર-૪૦૫ના ફાઈનલ પ્લોટ નંબર-૩૪૫,,૨માં ૧૧૧ લાખ લીટર ક્ષમતાની પમ્પહાઉસ સાથેની ભૂગર્ભ તથા ૨૦ લાખ લીટર ક્ષમતાની ઓવરહેડ પાણીની ટાંકી  રુપિયા ૨૧.૯૧ કરોડના ખર્ચે બનાવવા કોન્ટ્રાકટર સોબર એન્વાયરમેન્ટલ સોલ્યુસન જોઈન્ટ વેન્ચર માના ઈલેકટ્રિક એન્ડ એન્જિનીયરીંગ સર્વિસીસને કામગીરી અપાઈ છે.