પેટલાદ તાલુકામાં દોઢ અને આણંદમાં એક ઈંચ વરસાદ
- જિલ્લામાં સરેરાશ અડધો ઈંચ વરસાદ પડયો
- વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી : અન્ય તાલુકામાં ઝાપટાં : નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ
આણંદ : આણંદ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં પેટલાદમાં દોઢ ઈંચ અને આણંદમાં એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે જિલ્લાના અન્ય તાલુકામાં પાછોતરો વરસાદ પડયો છે. જિલ્લામાં સરેરાશ ૧૦.૫ મિ.મી. પાણી પડયું હતું.
આણંદ જિલ્લામાં અઠવાડિયાથી મેઘરાજાની પધરામણીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આણંદ શહેર સહિત જિલ્લામાં ક્યાંક વરસાદી ઝાપટાં તો ઘણી જગ્યાએ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે આણંદ જિલ્લામાં વિતેલા ૨૪ કલાકમાં સરેરાશ ૧૦.૫ મિ.મી. વરસાદ પડયો છે. જેમાં સૌથી વધુ પેટલાદ તાલુકામાં ૩૪ મિ.મી., આણંદ ૨૬ મિ.મી., આંકલાવમાં ૮ મિ.મી., તારાપુરમાં ૬ મિ.મી., ઉમરેઠ- બોરસદમાં ૩-૩ મિ.મી. અને સોજિત્રા- ખંભાતમાં ૨-૨ મિ.મી. વરસાદ નોંધાયો છે.
આણંદ જિલ્લામાં ધીમી ધારે ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતો વાવણી તરફ જોતરાયા છે. શહેરમાં નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકો કફોડી હાલતમાં પણ મુકાયા છે.