Get The App

ગારિયાધાર અને પાલિતાણામાં વીજ કડાકા સાથે ધોધમાર દોઢ ઈંચ વરસાદ

Updated: May 10th, 2025

GS TEAM


Google News
Google News
ગારિયાધાર અને પાલિતાણામાં વીજ કડાકા સાથે ધોધમાર દોઢ ઈંચ વરસાદ 1 - image


- ભાવનગરમાં વહેલી સવારે ધીમીધાર બાદ સાંજે તોફાની પવન સાથે માવઠું વરસ્યું

- ઉમરાળા, ઘોઘા, જેસરમાં અર્ધો ઈંચ, સિહોરમાં ઝાપટું : આજે પણ ઓરેન્જ એલર્ટ

ભાવનગર : ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ વચ્ચે આજે ૮ તાલુકામાં ધોધમાર ઝાપટાંથી લઈ દોઢેક ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. જેના કારણે રસ્તાઓ-ખેતરોમાંથી વરસાદી પાણી ફરી વળ્યાં હતા. હજુ આવતીકાલ શનિવારે પણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

ભાવનગર શહેરમાં આજે વહેલી સવારે ધીમીધારે ચાર મિ.મી. પાણી વરસી ગયા બાદ સાંજ સુધી ઉઘાડ રહ્યો હતો. જેના કારણે મહત્તમ તાપમાન એક ડિગ્રી વધીને ૩૪.૩ ડિગ્રીએ પહોંચી ગયું હતું. ત્યારબાદ સાંજે ૪-૩૦ આસપાસ વાતાવરણમાં આવેલા એકાએક બદલાવ વચ્ચે વાવાઝોડાના પવન સાથે ૧૫થી ૨૦ મિનિટ જેટલો ધોધમાર વરસાદ ખાબકી જતાં સાંજે ૬ વાગ્યા સુધીમાં ૧૫ મિ.મી. પાણી ખાબકી ગયું હતું. ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર જાણે વરસાદી પાણીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ઉમરાળામાં પણ સાંજે ચાર કલાક બાદ ધોધમાર ૧૬ મિ.મી. વરસાદ ખાબકી ગયો હતો. જ્યારે ઘોઘામાં સવારે ૮થી ૧૦ વચ્ચે ૧૦ મિ.મી. પાણી વરસ્યું હતું. સિહોરમાં સાંજે ઝાપટાંરૂપે ૩ મિ.મી. વરસાદ થયો હતો. ગારિયાધારમાં સાંજે ચાર કલાક બાદ વીજળીના કડાકા-ભડાકા સાથે સવાર ઈંચ જેટલું (૩૦ મિ.મી.) પાણી વરસ્યું હતું. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ થતાં ખેડૂતોની ચિંતા વધી હતી. પાલિતાણામાં સાંજે પોણા છથી સાત વાગ્યા વચ્ચે વીજ કડાકા સાથે ૩૫ મિ.મી. વરસાદ ખાબકી ગયો હતો. ત્યારબાદ મોડી સાંજે પણ ઝરમર વરસાદ શરૂ રહ્યો હતો. તો સાંજે ૬ કલાક બાદ જેસરમાં અર્ધો ઈંચથી વધુ ૧૩ મિ.મી. અને મહુવામાં બે મિ.મી. માવઠું વરસ્યું હતું. તળાજા અને વલ્લભીપુરમાં માવઠાનો વિરામ રહ્યો હતો. આઠ તાલુકામાં વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જો કે, ખેડૂતો માટે કમોસમી વરસાદ આફત બનીને વરસ્યો હતો. તો બોટાદમાં બે મિ.મી. અને રાણપુરમાં એક મિ.મી. વરસાદ વરસ્યો હતો.

ઉલ્લેખનિય છે કે, છેલ્લા પાંચ દિવસથી વરસી રહેલા માવઠાથી જિલ્લાવાસીઓને હજુ પણ છૂટકારો મળી શકે તેવા કોઈ એંધાણ દેખાતા નથી. હવામાન વિભાગે આવતીકાલ શનિવાર માટે પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે અને રવિ-સોમવારે હળવા વરસાદની આગાહી કરાઈ છે.

Tags :