Gujarat

ભરબપોરે લૂંટની કોશિશ કરનાર ટોળકીનો એક આરોપી ઝડપાયો

By GS TEAM
21 Sep 20251 min read
ભરબપોરે લૂંટની કોશિશ કરનાર ટોળકીનો એક આરોપી ઝડપાયો

વડોદરા,કારેલીબાગની આમ્રપાલી સોસાયટીમાં ત્રણ દિવસ પહેલા બપોરે મકાનમાં ઘૂસી આવેલા ત્રણ લૂંટારાએ પરિવારજનોને બેભાન કરી લૂંટની કોશિશ કરનાર ચાર પૈકીના એક આરોપીને ડીસીબી પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

ઘરઘાટી તરીકે કામ કરતા વિમલભાઇએ  કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું  કે,શાંતિભાઇ જીવાવતના ૭૬વર્ષીય પત્ની કમલાબેને મને લોટનો ડબ્બો ઘંટીએ મુકવા જવાનું  કહેતાં હું ત્યાં ગયો હતો. ત્યારે લૂંટારાઓએ ઘરના સભ્યોને બેભાન કરી લૂંટની કોશિશ કરી હતી.  હું પરત ઘરે આવ્યો ત્યારે લૂંટારાઓએ મને પણ બેભાન   કરવાનો  પ્રયાસ કર્યો હતો. આ ગુનામાં પોલીસ કમિશનરની સૂચના મુજબ, ડીસીબી  પોલીસે  સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી એક ટીમને તપાસ માટે રાજસ્થાન મોકલી હતી. પોલીસે આરોપી અભિમન્યુ રાજપૂતને શોધી કાઢ્યો હતો. તેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે,આ ઘરમાં અગાઉ ડ્રાઇવર તરીકે કામ કરતા જશવંતસિંગ શેરસિંગ દેવડાએ લૂંટ અંગેની યોજના ઘડી હતી. તેણે અભિમન્યુ અને વિક્રમસિંગ રાઠોડને લૂંટ કરવા માટે વડોદરા બોલાવ્યા હતા. વડોદરામાં જુદી જુદી હોટલ અને ગેસ્ટ  હાઉસમાં રોકાઇને તેઓએ રેકી કરી હતી. ત્યારબાદ લૂંટ કરી સામાન થેલામાં ભરીને તેઓ નાસવા જતા હતા. ત્યારે જ નોકર આવી જતા તેઓને ભાગવું પડયું હતું. તેઓ ભાગીને રાજસ્થાન જતા રહ્યા હતા. પોલીસે અભિમન્યુની ધરપકડ કરી છે. જ્યારે જશવંતસિંગ, વિક્રમસિંગ તથા કેસરસિગને વોન્ટેડ જાહેર કર્યા છે.