Get The App

દુષ્કર્મ કેસમાં એક આરોપીને જીવે ત્યાં સુધીની આજીવન કેદ બીજાને ૨૦ વર્ષની સજા

ડીએનએ રિપોર્ટમાં બાળકના પિતાની ઓળખ થઇ હતી

Updated: May 5th, 2026

GS TEAM

Google News
Google News
દુષ્કર્મ કેસમાં એક આરોપીને જીવે ત્યાં સુધીની આજીવન કેદ બીજાને ૨૦ વર્ષની સજા 1 - image

વડોદરા : ૧૬ વર્ષની સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવવાના ચકચારી બનાવમાં સંડોવાયેલા એક આરોપીને અદાલતે જીવે ત્યં સુધીની આજીવન કેદની સજા તેમજ બીજા આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદની સજાનો આદેશ કર્યો હતો. ન્યાયાધીશે સગીરાને વળતર પેટે રૃા.૭ લાખ ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો.

કેસની વિગત એવી છે કે, વર્ષ ૨૦૨૫ના જાન્યુઆરી માસમાં ૧૬ વર્ષ ૧૧ માસની ઉમરની સગીરા સાવલી તાલુકાના એક ગામમાં મજૂરીનું કામ કરતી હતી, ત્યારે આરોપી રાહુલ જગદીશભાઈ ભોઈ અને તેના મિત્ર ભાવેશ રયજીભાઈ પઢીયારે તેને લાલચ આપી શારીરિક સંબંધો બાંધવાની ફરજ પાડી હતી. આ નરાધમોના સતત શોષણને કારણે સગીરા ગર્ભવતી બની ગઈ હતી અને તેણે એક બાળકને જન્મે આપ્યો હતો.પોલીસે આ બનાવ અંગે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા તેમાં સરકારી વકીલ સી.જી. પટેલે રજૂઆત કરી હતી કે, આ માત્ર એક શારીરિક અત્યાચાર નથી પરંતુ એક સગીરાના ભવિષ્યને કચડી નાખવાનું કૃત્ય છે.  ન્યાયિક પ્રક્રિયા દરમિયાન કોર્ટ સમક્ષ કુલ ૯ જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી અને ૨૮ જેટલા દસ્તાવેજી પુરાવાઓ ચકાસવામાં આવ્યાં હતા. આ કેસમાં સૌથી નિર્ણાયક વળાંક ત્યારે આવ્યો જ્યારે વૈજ્ઞાાનિક પુરાવા તરીકે રજૂ થયેલ ડી.એન.એ. રિપોર્ટમાં આરોપી રાહુલ ભોઈ નવજાત બાળકનો જૈવિક પિતા હોવાનું સાબિત થયું.

ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલો તેમજ પુરાવાને ધ્યાન લઇ મુખ્ય આરોપી રાહુલ ભોઈને તેના બાકીના કુદરતી આયુષ્ય સુધી એટલે કે અંતિમ શ્વાસ સુધીની  આજીવન કેદની સજા ફટકારી હતી, તો આરોપી  ભાવેશ પઢીયારને ૨૦ વર્ષની સખત કેદનો હુકમ કર્યો હતો. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે,આવા ગંભીર ગુનામાં આરોપીઓ પ્રત્યે  કોઈ પણ પ્રકારની રહેમદલી દાખવી શકાય નહીં. ન્યાયાધીશે  પીડિતાને રૃા. ૭,૦૦,૦૦૦ (સાત લાખ રૃપિયા) નું વળતર ચૂકવવાનો આદેશ પણ આદેશ કર્યો હતો.

બાળકને ઝાડીમાં ફેંકી દેવામાં આવ્યું હતું

જ્યારે આ ઘટનાનો પર્દાફાશ થયો ત્યારે તેની પાછળ એક હ્દ્રયદ્વાવક ઘટના હતી. લોકલાજ અને બદનામીના ડરથી સગીરાએ ઘરે જ બાળકને જન્મ આપ્યા બાદ તેને બાવળની કાંટાળી ઝાડીઓમાં ત્યજી દીધું હતું. કડકડતી ઠંડીમાં નિર્જન જગ્યાએ પડેલા નવજાત બાળકની કરુણ ચીસો જ્યારે ગામના સરપંચ અને રાહદારીઓના કાને પડી ત્યારે લોદો દોડી ગયા હતા અને પોલીસને બનાવની જાણ કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ બાળક એ જ મજબૂર સગીરાનું હતું જેને બે નરાધમોએ હવસનો શિકાર બનાવી રઝળતી કરી દીધી હતી. એક ત્યજાયેલા બાળકની વેદનાએ અંતે ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે.