Get The App

સુરત: એનર્જી ડ્રિંક્સના નામે 'પાણી' એક્સપોર્ટ કરી કરોડોનું રિફંડ મેળવવાનું કૌભાંડ, એકની ધરપકડ

Updated: Dec 27th, 2025

GS TEAM

Google News
Google News
સુરત: એનર્જી ડ્રિંક્સના નામે 'પાણી' એક્સપોર્ટ કરી કરોડોનું રિફંડ મેળવવાનું કૌભાંડ, એકની ધરપકડ 1 - image


Energy Drinks Export Scam : ટેક્સ રિફંડ મેળવવા માટે અનેક પ્રકારના કૌભાંડો અત્યાર સુધી સામે આવ્યા છે, પરંતુ વાપી DRI (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ)એ એક એવા સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. જે એનર્જી ડ્રિંક્સના નામે લાલ રંગનું સાદું પાણી વિદેશ મોકલી સરકાર સાથે કરોડોની છેતરપિંડી કરી રહ્યું હતું. આ મામલે તપાસનો ધમધમાટ તેજ કરી DRIએ સુરતથી એક આરપીની ધરપકડ કરી છે.

શું છે સમગ્ર કૌભાંડ?

ગત જુલાઈ મહિનામાં વાપી DRIની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, કંડલા પોર્ટ પરથી એક્સપોર્ટ થતાં માલમાં ગેરરીતિ થઈ રહી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, કાગળ પર મોંઘા 'એનર્જી ડ્રિંક્સ' (Energy Drinks) એક્સપોર્ટ બતાવવામાં આવ્યા હતા. જ્યારે કન્ટેનર ખોલવામાં આવ્યા ત્યારે તેમાં માત્ર લાલ રંગનું સાદું પાણી ભરેલી બોટલો મળી આવી હતી.આ માલ અમેરિકા (USA) અને યુએઈ (UAE) જેવા દેશોમાં મોકલવામાં આવી રહ્યો હતો.

કરોડોનું ટેક્સ રિફંડ કૌભાંડ

આ આખી રમત સરકાર પાસેથી Duty Drawback અને અન્ય ટેક્સ રિફંડ મેળવવા માટે રચવામાં આવી હતી. મોંઘી પ્રોડક્ટ બતાવીને એક્સપોર્ટ વેલ્યુ ઊંચી દર્શાવવામાં આવતી હતી, જેના આધારે આ સિન્ડિકેટ સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયાનું રિફંડ મેળવી લેતી હતી.

અત્યાર સુધીની તપાસ મુજબ, અંદાજે રૂ. 25 કરોડથી વધુનું કૌભાંડ સામે આવ્યું છે, જેનો આંકડો તપાસના અંતે કરોડો સુધી પહોંચવાની પૂરેપૂરી શક્યતા છે. અને કૌભાંડની જાળ દેશના અનેક રાજ્યોમાં ફેલાયેલી હોવાની આશંકા છે.

સુરતથી ધરપકડ અને તપાસનો વ્યાપ

આ દેશવ્યાપી સિન્ડિકેટમાં સુરતનું કનેક્શન સામે આવતા DRI એ સુરતથી એક વ્યક્તિની અટકાયત કરી છે. DRI ના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નેટવર્કના મુખ્ય 4 થી 5 સૂત્રધારો અત્યારે રડારમાં છે અને આગામી દિવસોમાં મોટા નામો સામે આવી શકે છે.

આ પણ વાંચો: વિદેશની કોલેજોમાં ફી ભરી આપવાના નામે વડોદરા અને સુરતમાંથી 55 લાખની ઠગાઈ કરનાર ભેજાબાજ પકડાયો

આ ઘટનાએ એક્સપોર્ટ સેક્ટરમાં ચાલતી ગેરરીતિઓ સામે લાલ આંખ કરી છે. DRI હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ અગાઉ આવા કેટલા કન્ટેનર વિદેશ મોકલવામાં આવ્યા છે અને અત્યાર સુધી કુલ કેટલું રિફંડ મેળવી લેવામાં આવ્યું છે.