એક સમયે શહેરની પ્રતિષ્ઠીત એવી VS હોસ્પિટલમાં ૨૦૦ ઈન્ડોર પેશન્ટ સામે સિકયુરીટી સહીત ૮૦૦ નો સ્ટાફ
ઓ.પી.ડીમાં રોજ એક હજાર દર્દી આવતા હોવાનો દાવો, હોસ્પિટલના સ્ટાફને અન્ય હોસ્પિટલમાં કયા કારણથી મોકલાય છે
અમદાવાદ,શુક્રવાર,3
ઓકટોબર,2025
૧૯૩૧માં દાતાઓના દાનમાંથી શરુ કરાયેલી અને પ્રતિષ્ઠીત એવી
વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ ચલાવવા ખાતર ચલાવાઈ રહી છે.સંકુલમાં આવેલા જર્જરીત
બિલ્ડિંગને તોડવાની કાર્યવાહી વચ્ચે હાલ હોસ્પિટલમાં ૨૦૦ ઈન્ડોર પેશન્ટની ક્ષમતા
સાથે સિકયુરીટી સહીત ૮૦૦નો સ્ટાફ ફરજ બજાવતો હોવાનુ હોસ્પિટલના આર.એમ.ઓ. કૌશિક
બેગડાએેકહયુ છે.તેમણે હોસ્પિટલમાં હાલમા રોજ ઓ.પી.ડી.માં એક હજાર દર્દી આવતા
હોવાનો દાવો કર્યો છે. રોજ એક હજાર દર્દી ઓ.પી.ડી.માં આવતા હોય તો કયા કારણથી
હોસ્પિટલના સ્ટાફને કોર્પોરેશનની અન્ય હોસ્પિટલમાં રોટેશનથી મોકલવામા આવે છે એ
અંગે તેમની પાસે કોઈ જવાબ નહતો.
૯૪ વર્ષ પુરા કરી ચૂકેલી વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ માટે
ભાજપના સત્તાધીશો દ્વારા વર્ષ-૨૦૨૫-૨૬ માટે રુપિયા ૨૫૭ કરોડનુ વાર્ષિક બજેટ મંજૂર
કરવામા આવેલુ છે.એક સમયની પ્રતિષ્ઠીત એવી આ હોસ્પિટલ કિલીનિકલ રીસર્ચ કૌભાંડને
લઈને પણ વગોવાઈ ગઈ છે.વી.એસ.હોસ્પિટલમાં આવેલા ૫૦૦ બેડ ઘટાડીને ૨૦૦ બેડ કરવાનો
નિર્ણય કરવામા આવ્યો હતો.આ નિર્ણય પછી મ્યુનિસિપલ કમિશનરે ૯ મે-૨૫ના રોજ
વી.એસ.હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે
ફરજ બજાવતા તમામ કર્મચારીઓને તેમને ફાળવવામા આવેલી કોર્પોરેશન સંચાલિત એલ.જી.કે શારદાબેન હોસ્પિટલમાં ત્રણ માસના
રોટેશન મુજબ ફરજ બજાવવા મંજૂરી આપી હતી.વી.એસ.ના મેડીકલ સુપ્રિટેન્ડન્ટની
સહીથી ૨૬ મે-૨૫ના રોજ ઓફિસ ઓર્ડર કરાયો હતો.જે પછી ૨૦ કર્મચારીઓએ
એલ.જી.હોસ્પિટલ તથા ૧૭ કર્મચારીઓને શારદાબેન હોસ્પિટલમાં ૧ જૂલાઈથી ૩૦
સપ્ટેમ્બર-૨૫ સુધી ફરજ ઉપર મોકલાયા હતા.આ કર્મચારીઓ ઉપરાંત અન્ય કર્મચારીઓને
રોટેશન ઉપર કોર્પોરેશન સંચાલિત
હોસ્પિટલમાં હાજર થવા ઓર્ડર કરાતા તેઓ ઓર્ડર પણ સ્વીકારતા નહીં હોવાની બાબત
બહાર આવી છે.ઓર્ડર નહીં સ્વીકારવા પાછળ કેટલાક યુનિયનોનુ દબાણ હોવાનુ આધારભૂત
સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.હોસ્પિટલના મેડીકલ સુપ્રિટેન્ડન્ટે તેઓ મેયર ઓફિસમાં હોવાનુ કહી સંપર્ક ટાળી દીધો હતો.
રોટેશન મુજબ હાજર નહીં થનાર સામે કાર્યવાહી કરાશે,ડેપ્યુટી
મ્યુનિ.કમિશનર
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર
(હેલ્થ-હોસ્પિટલ) ભરતભાઈ પરમારે કહયુ,
વી.એસ.હોસ્પિટલમાં ફરજ બજાવતા વધુ કર્મચારીઓને રોટેશન મુજબ એલ.જી. તથા
શારદાબેન હોસ્પિટલમાં ફરજ બજાવવા ઓર્ડર કરાયા છે.૭ ઓકટોબર સુધીમાં તમામે તેમના
ઓર્ડરમાં જે હોસ્પિટલનુ નામ હોય ત્યાં ફરજ ઉપર હાજર થવાનુ છે.જે કર્મચારીઓ ફરજ ઉપર
હાજર નહીં થાય તેમની સામે ૭ ઓકટોબર પછી શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.