લાલપુર તાલુકાના મોટી રાફુદડ ગામમાં ખેતરમાં પાણી વાળવાના પ્રશ્ને ખેડૂત યુવાન પર કુહાડી વડે હુમલો: બે પિતરાઈ ભાઈ સામે ફરિયાદ
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોટી રાફુદડ ગામમાં રહેતા અને ખેતી કામ કરતા બસર સુવાલીભાઈ બેગ નામના ૩૭ વર્ષના સંધિ ખેડૂત યુવાને પોતાના ઉપર કુહાડી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડવા અંગે પોતાના જ પિતરાઈ ભાઈ ઈબ્રાહીમ કાસમભાઇ બેગ અને ઉંમર કાસમભાઇ બેગ સામે ફરિયાદ નોંધાવી છે. જયારે તેને લોહી નિતરતી હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે, અને માથાના ભાગે તેમજ હાથના ભાગે ટાંકા લેવા પડ્યા છે. ઉપરાંત ફ્રેકચર સહિતની પણ ઈજા થઈ છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી બશીરભાઈ અને તેના પિતરાઈ ભાઈ ઈબ્રાહીમ વગેરેને ખેતીવાડીમાં પાણી માટેનો સંયુક્ત માલિકીનો કૂવો છે, તેમાંથી પાણી કાઢવાના પ્રશ્ને ઝગડો થયા પછી આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. લાલપુરના એએસઆઈ ડી.ડી. જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે.