વડોદરા,૨૦ હજારની ઉઘરાણી કરવા ગયેલા મામા અને ભાણેજ પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
તરસાલી વિશાલનગરમાં રહેતા અને કર્મકાંડ કરતા જયેશ યોગેશભાઇ પંડિતે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારા કૌટુંબિક કાકાના દીકરા કૃણાલ પંડિત પાસે બે વર્ષ પહેલા દુબઇ ખતા કરવા લઇ જવા માટે મોબાઇલ પર લોન કરી મારા ૨૦ હજાર લીધા હતા. ત્યારબાદ તે પૈસા પરત આપતો નહતો. મેં તેેને ફોન કરીને રૃપિયાની માગણી કરતા તેણે એવો જવાબ આપ્યો હતો કે, તારા પૈસા હું નહી આપુ, થાય તે કરી લેજે. જેથી, હું અને મારા માનેલા મામા નરેશ ગીડવાની ગઇકાલે બપોરે ત્રણ વાગ્યે કૃણાલના ઘરે ગયા હતા. મેં પૈસાની માગણી કરતા તેણે ઉશ્કેરાઇને ગાળો બોલી મારી સાથે ઝઘડો કર્યો હતો. નીચે પડેલો પથ્થર લઇને તેને મારા માથાના પાછળના ભાગે મારી દીધો હતો.કૃણાલના પિતા ચપ્પુ લઇને આવ્યા હતા. તેણે મારી ગરદન તથા પીઠના ભાગે ઇજા પહોંચાડી હતી. તેમજ મારા મામાને ગળા પર ઇજા કરી હતી.


