Gujarat

નખત્રાણામાં વિશ્વ પ્રાણી દિવસની પરોઢે 'ગૌવંશ' અકસ્માતનો ભોગ બન્યો

By GS TEAM
4 Oct 20252 mins read
નખત્રાણામાં વિશ્વ પ્રાણી દિવસની પરોઢે 'ગૌવંશ' અકસ્માતનો ભોગ બન્યો

મુંગા, અબોલ પશુઓની દુર્દશા

પેટ્રોલ પંપ નજીક અજાણ્યા વાહને ટક્કર મારતા પશુ રોડ પર લાંબા અંતર સુધી ઘસડાયું, ગંભીર ઈજાઓ પહોંચી

નખત્રાણા: વિશ્વ પ્રાણી દિવસની ઉજવણીના પ્રારંભે જ નખત્રાણા વિસ્તારમાં અબોલ અને મુંગા પશુની અવદશા નો એક કરુણ અને ગંભીર બનાવ સામે આવ્યો છે. ૪ ઓક્ટોબર ના રોજ સમગ્ર વિશ્વમાં જ્યારે પ્રાણીઓના અધિકારો અને કલ્યાણ  માટે જાગૃતિ ફેલાવવામાં આવે છે, ત્યારે નખત્રાણાની ભાગોળે એક નિર્દોષ ગૌવંશ અકસ્માતનો ભોગ બનતાં માર્ગ રક્તરંજીત બન્યો હતો. એટલું જ નહીં, મુંદરાના રતાડીયા ગામે પણ વીજ કરંટ લાગવાથી ગાયનું મોત નિપજયું હતું. પીજીવીસીએલ સામે બેદરકારીનો આક્ષેપ ઉઠયો છે. 

પ્રાપ્ત  માહિતી અનુસાર, નખત્રાણા ની ભાગોળે આવેલ એક પેટ્રોલ પંપ નજીક કોઈ અજાણ્યા વાહને એક મહાકાય ગૌવંશને જોરદાર ટક્કરમારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, પશુ રોડ પર લાંબા અંતર સુધી ઘસડાયું હતું, જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.પસાર થતા એક રાહદારીએ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડી.

ઘાયલ ગૌવંશની સારવાર માટેની ટહેલ સોશિયલ મીડિયામાં મૂકવામાં આવતાં જ સ્થાનિક ગૌપ્રેમીઓ સક્રિય થયા હતા.

તેમણે માનવતાની ફરજ નિભાવીને તુરંત ઘટનાસ્થળે પહોંચીને ઘાયલ પશુ ની પ્રાથમિક સારવાર શરૂ કરી અને તેને જરૂરી તબીબી સહાય પૂરી પાડી હતી.

જો કે, આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અબોલ જીવોની સ્થિતિ ચિંતાજનક બની છે. વાહન અકસ્મતાતો  ઉપરાંત, હાલમાં મુંગા પશુઓ અને ગૌવંશને ઘાતક અને તીક્ષ્ણ હથિયારોથી ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવાના બનાવોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આ પ્રકારના કૃત્યો પશુ કલ્યાણના કાયદાઓ અને માનવતા બંનેનું ઘોર ઉલ્લંઘન છે.

સ્થાનિક ગૌપ્રેમીઓએ માંગ કરી છે કે,રખડતા પશુઓની સુરક્ષા સુનિશ્ચિંત કરવામાં આવે અને નિર્દોષ પશુઓને ઈજા પહોંચાડનાર અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવામાં આવે.