શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવને બોરસલ્લીનો દિવ્ય શ્રૂંગાર
આજે એકાદશી, કાલે પર્યુષણ પ્રારંભ, શનિવારે શ્રાવણની પૂર્ણાહુતિ : રાજકોટમાં રામનાથ દાદાની વરણાગીમાં હજારો ભાવિકો ઉમટયા : સૌરાષ્ટ્રનાં શિવમંદિરોમાં શ્રાવણી શિવભક્તિનો સાગર છલકાયો
રાજકોટ, : ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્તિ માટે સર્વોત્તમ શ્રાવણ માસના આજે ચતુર્થ અને અંતિમ સોમવારે સૌરાષ્ટ્રમાં એકંદરે ભારે વરસાદનો વિરામ રહેતા શિવમંદિરોમાં મોડી રાત્રિ સુધી ભાવિકોની ભીડ જામી હતી. જગપ્રસિધ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાને આજે બોરસલ્લીનો શ્રૂંગાર કરવામાં આવ્યો હતો જેનો સાંજે ૭ સુધીમાં ૬૩,૮૫૭ સહિત રાત્રિ સુધીમાં આશરે એક લાખ ભાવિકોએ દર્શનલાભ લીધો હતો.
સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર વહેલી સવારે 4 વાગ્યે ખુલતાની સાથે જ મોડી રાત્રિના કતારમાં ઉભા રહી ગયેલા દેશ-વિદેશના ભક્તોના હર હર મહાદેવના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠયું હતું. આજે એક દિવસમાં જ 72 ધ્વજા પૂજન, 61 સોમેશ્વર મહાપૂજા, 599 રૂદ્રાભિષેક સંપન્ન થયા હતા.
રાજકોટમાં શહેરની 400 વર્ષ પહેલા સ્થાપના થઈ તે પહેલા આજી નદીમાં બીરાજતા સ્વયંભુ રામનાથ મહાદેવની આજે 102માં વર્ષે વરણાગી યાત્રા નીકળી હતી જેમાં હજારો ભાવિકો ઉમટયા હતા. રામનાથ મહાદેવ ઉપરાંત જાગનાથ, પંચનાથ, મહાકાલેશ્વર, ભોમેશ્વર, વિશ્વેશ્વર તેમજ આજુબાજુમાં ઈશ્વરીયા, રતનપર સહિત શિવમંદિરોમાં તેમજ સૌરાષ્ટ્રના ઘેલા સોમનાથ, જડેશ્વર સહિત ઐતહાસિક શિવમંદિરોમાં ભોળાનાથના મંત્રજાપ,અભિષેક,પૂજન સાથે શ્રાવણિયા શિવભક્તિનો સાગર ઘુઘવ્યો હતો. આવતીકાલે અજા એકાદશી, બુધવારે પર્યુષણ પ્રારંભ અને શનિવારે શ્રાવણની પૂર્ણાહૂતિ થશે.
બોરસલ્લીનું આધ્યાત્મિક અને આયુર્વેદમાં અનેરૂ મહત્વ છે
રાજકોટ, : ભોળાનાથની પૂજા માટે પૂષ્પો, પુજાપા અને પ્રસાદની સામગ્રી પાછળ વૈજ્ઞાાનિક તથ્ય રહેલું છે. આજે સોમનાથ દાદાને બોરસલ્લીનો શ્રૂંગાર કરાયો તે બોરસલ્લી સકારાત્મકતા અને શાંતિ આપતી વનસ્પતિ છે અને શિવજીના સત્ ચિત્ આનંદનું પ્રતિક છે. તો આયુર્વેદમાં તે પાચન, પેઢાના સોજા સહિત મુખના રોગોથી માંડીને અનેક રોગોની અક્સીર સારવારમાં ઉપયોગ થાય છે.