જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર મેઘપર ગામના પાટીયા પાસે વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો
Image Source: Freepik
રસ્તો ઓળંગી રહેલા એક યુવાનને ઇકો કારના ચાલકે કચડી નાખતાં કમકમાટી ભર્યું મૃત્યુ
જામનગર, તા. 9 સપ્ટેમ્બર 2023 શનિવાર
જામનગર- ખંભાળિયા ધોરીમાર્ગ પર મેઘપર ગામના પાટીયા પાસે વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો છે, અને રસ્તો ઓળંગી રહેલા એક યુવાનનું કાર હેઠળ ચગદાઈ જતાં કરુણ મૃત્યુ નિપજ્યું છે.આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહીને મજૂરી કામ કરતો નંદકિશોર રામનાથ સાકેત નામના ૩૮ વર્ષનો પર પ્રાંતિય યુવાન કે જે ગઈકાલે રાત્રે ૧૨.૩૦ વાગ્યાના અરસામાં નમેઘપર ગામના પાટિયા પાસે પગપાળા ચાલીને રસ્તો ઓળંગી રહ્યો હતો, જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી જીજે ૧૦- ડી.જે. ૩૦૪૨ નંબરની ઇકો કાર ના ચાલકે તેને હડફેટમાં લઈ કચડી નાખ્યો હતો. તેથી તેને શરીરમાં અનેક સ્થળે ફ્રેકચર સહિતની ગંભીર ઇજા થઈ હતી, અને તેનું મૃત્યુ નીપજયું હતું. આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પિતરાઈ ભાઈ ઉમાકાંત રામ લખન સાકેતે પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસ સ્ટેશન ના સ્ટાફે મૃતદેહ નો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ઇકો કારના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.