Gujarat

સાબરમતી રિવરફ્રન્ટની પૂર્વ બાજુએ એલિસ અને નહેરુબ્રિજ વચ્ચે ૧૨ કરોડના ખર્ચે લીનીયરગાર્ડન તૈયાર

By GS TEAM
29 Nov 20251 min read
સાબરમતી રિવરફ્રન્ટની પૂર્વ બાજુએ એલિસ અને નહેરુબ્રિજ વચ્ચે ૧૨ કરોડના ખર્ચે લીનીયરગાર્ડન તૈયાર

અમદાવાદ,શનિવાર,29 નવેમ્બર,2025

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટની પૂર્વ બાજુએ એલિસ અને નહેરુબ્રિજની વચ્ચે ૧૮ હજાર સ્કેવર મીટર એરીયામાં રુપિયા ૧૨ કરોડના ખર્ચથી પબ્લિક પ્રાઈવેટ પાર્ટનર્શીપના ધોરણે યુ.એન.મહેતા ફાઉન્ડેશનના સહયોગથી તૈયાર કરાયો છે. એક કિલોમીટરમાં હેરીટેજ થીમ ઉપર બનાવાયેલા ગાર્ડનનું એક સપ્તાહમાં લોકાર્પણ થાય એવી સંભાવના છે.

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અટલફુટ બ્રિજ,ફલાવરપાર્ક ઉપરાંત વિવિધ ગાર્ડનના આકર્ષણ છે. આ આકર્ષણમાં હવે રિવરફ્રન્ટની પૂર્વ બાજુએ એલિસ અને નહેરુબ્રિજની વચ્ચે લીનીયર ગાર્ડનની મોટાભાગની કામગીરી પુરી કરી લેવામા આવી છે. આ ગાર્ડનના મુલાકાતીઓને અમદાવાદના ઈતિહાસ ઉપરાંત સાબરમતી નદીકાંઠાના ઈતિહાસને લઈ ઉપયોગી માહીતી મળી રહેશે. ગાર્ડનમાં વિવિધ પ્રકારની કરન્સીની પ્રતિકૃતિ મુકવામા આવી છે. નોંધપાત્ર બાબત એ છે કે, એક સમયે સાબરમતી નદીના પટમાં અલગ અલગ સર્કસ આવતા હતા.આ સર્કસના ખેલ જોવા વિવિધ વિસ્તારમાંથી અને અમદાવાદ શહેર બહારથી ખરીદી કરવા આવતા લોકો પણ જોવા જતા હતા. આ સર્કસની આબેહુબ પ્રતિકૃતિ એવા ગજેબો પણ આ ગાર્ડનના મુલાકાતીઓ માટે મુકવામા આવ્યા છે. ગાર્ડનમાં સિનિયર સિટીઝનો માટે બેસવાની વ્યવસ્થા કરાઈ છે.આ સાથે જ બાળકો માટે પણ રમવા માટેના સાધનો મુકવામા  આવ્યા છે.  મોર્નિંગ વોક કરવાવાળાઓ માટે ફુટપાથ બનાવાઈ છે. વિવિધ પ્રકારના ડોમ અને ગુંબજની પ્રતિકૃતિ પણ લોકો માટે આકર્ષણનુ કેન્દ્ર બની રહેશે.અમદાવાદ પૂર્વમાં સ્પોટર્સ કોમ્પલેકસ પછી આ બીજુ મનોરંજન માટેનુ સ્થળ બનશે.