દિવાળી તહેવારો પૂર્વે ૧૧૯ જેટલા ખાદ્ય નમૂનાની સ્થળ પર જ તપાસ

ફુડ સેફ્ટી ઓન વ્હિલ મારફતે ગાંધીનગર ફુડ તંત્ર દ્વારા
૬૭ વેપારીઓને ત્યાંથી સેમ્પલ લેવાયાઃવધુ તપાસ માટે નમૂના લેબોરેટીમાં મોકલાયાઃપરિક્ષણનો રિપોર્ટ દેવ દિવાળી પછી આવશે
ગાંધીનગર : ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગરની અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર વર્તુળ કચેરી દ્વારા દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગાંધીનગર જિલ્લામાં ફૂડ સેફ્ટી માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરતી કુલ ૬૭થી વધુ પેઢીઓની તપાસ કરવામાં આવી છે. અહીંથી જુદા-જુદા કુલ ૧૧૯ ખાદ્યચીજોના નમૂના લેવામાં આવ્યા હતા.
તંત્રની તપાસ ઝુંબેશ દરમિયાન, ખાદ્યચીજોની ગુણવત્તા ચકાસવા માટે કુલ ૧૧૯ જેટલા નમૂનાઓ
લેવામાં આવ્યા છે. આ નમૂનાઓમાં મિઠાઈ,
ફરસાણ, ઘી, દૂધ, પનીર, તેલ, બેકરી આઈટમ, કન્ફેક્શનરી, મુખવાસ, બેસન તથા અન્ય
ખાદ્યચીજોનો સમાવેશ થાય છે.આ ઉપરાંત,
આ તપાસ ઝુંબેશમાં ફૂડ સેફ્ટી ઓન વ્હીકલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વાહન
દ્વારા ૧૦૬ જેટલા ખાદ્યપ્રદાર્શનુંં સ્થળ પર ઓન ધ સ્પોટ એટલે કે તુરંત જ પરીક્ષણ
કરવામાં આવ્યું હતું.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરની અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર વર્તુળ કચેરી દ્વારા કરવામાં આવેલી આ સઘન કામગીરીનો મુખ્ય ઉદ્દેશ તહેવારોની મોસમમાં વેચાતી ખાદ્યચીજોની ગુણવત્તા અને સલામતી જાળવવાનો છે. તંત્ર દ્વારા લેવાયેલા નમૂનાઓને વધુ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે, જેના પરિણામોના આધારે દોષિત પેઢીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હાલ તો આ નમૂના લઇને તેને પરિક્ષણ માટે વડોદરાની લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે પરંતુ ત્યાં પણ સેમ્પલ્સનો ભરાવો થઇ ગયો છે જેના કારણે આ તમામ સેમ્પલ્સ સ્ટાન્ડર્ડ છે કે સબ સ્ટાન્ડર્ડ તેનો ખ્યાલ દેવ દિવાળી પછી જ આવશે.