જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં દારૂ અંગે દરોડો પાડવા ગયેલા પોલીસ કર્મચારી પર હુમલો કરી ફરજમાં રૂકાવટ કરાઇ
જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં વણકરવાસમાં એક રહેણાંક મકાન પર દારૂ અંગે દરોડો પાડવા ગયેલા પોલીસ કર્મચારી સાથે સ્થાનિક શખ્સ દ્વારા અણછાજતું વર્તન કરીને ઝપાઝપી કરાઈ હતી, અને દારૂની બાટલી અને કાચનો ગ્લાસ વગેરેને તોડી નાખી દારૂ કબજે કરવા ન દીધો અને ફરજમાં રૂકાવટ કરી હોવાથી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા એ.એસ.આઇ. તરુણકુમાર કરસનભાઈ ચાવડા, કે જેઓ ગઈકાલે રાત્રિના 10:00 વાગ્યાના અરસામાં શંકર ટેકરી વણકરવાસમાં રહેતા દિવલો મનસુખભાઈ ચૌહાણ નામના શખ્સના રહેણાક મકાન પર દારૂ અંગે દરોડો પાડવા માટે ગયા હતા જયાં દિવલો ચૌહાણ પોતાના ઘેર ઈંગ્લીશ દારુ ની બાટલી માંથી કાચ ના ગ્લાસમાં દારૂ ભરીને દારૂનો નશો કરી રહ્યો હતો.
જેથી પોલીસ દ્વારા ઇંગ્લિશ દારૂની બાટલી અને ગ્લાસ વગેરે કબજે કરવાની કાર્યવાહી ચાલી રહી હતી, જે દરમિયાન પાડોશમાં રહેતો કૈલાસ ગોહિલ નામનો શખ્સ ત્યાં ઘસી આવ્યો હતો, અને પોલીસ કર્મચારી સાથે જીભાજોડી કરી હતી. તમે અહીં શું કામ આવ્યા છો અને ફરીથી અહીં આવતા નહીં, અને કોઈ કેસ કરવાનો નથી. તેમ કહી બળજબરીપૂર્વક ઇંગ્લિશ દારૂની બાટલી અને કાચનો ગ્લાસ વગેરે ઉપાડી લઈ બાટલી અને ગ્લાસ તોડી નાખી દારૂ ઢોળી નાખ્યો હતો.
આથી સમગ્ર મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ફરજ પરના એ.એસ.આઈ. તરુણ કરસનભાઈ ચાવડાએ પોતાની ફરજમાં રૂકાવટ કરવા અંગે તેમજ ઝપાઝપી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે કૈલાશ ગોહિલ સામે ફરિયાદ નોંધાવી છે. આ બનાવને લઈને ગઈકાલે રાત્રે વણકરવાસમાં ભારે ધમાચકડી થઈ હતી.