રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ધિંગાણું ઃ પ્રવાસી પર ટોળાનો હુમલો

વડોદરા, તા.18 ટ્રેનમાં થયેલા ઝઘડાની અદાવતમાં વડોદરા રેલવે સ્ટેશન પર આવેલા ટોળાએ ચપ્પુ તેમજ પંચ જેવા મારક સાધનોથી હુમલો કરી બે શખ્સોને ઇજા પહોંચાડી હતી.
રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૨ પર અમદાવાદ તરફના છેડા પાસે બનેલી આ ઘટના અંગે રિક્ષાચાલક મોહંમદઆજમ બદરુલહુસેન પઠાણ (રહે.કુમારચાલ, નવાયાર્ડ, મૂળ યુપી)એ આઠ અજાણ્યા શખ્સો સામે રેલવે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તા.૧૬ના રોજ રાત્રે મારા મિત્ર મુદસ્સીર મુજમ્મિલ પઠાણનો ફોન આવ્યો હતો અને જણાવેલ કે હું સુરતથી દાદર-અજમેર એક્સપ્રેસ ટ્રેનના આગળના જનરલ કોચમાં બેસી વડોદરા આવતો હતો ત્યારે મારે ટ્રેનમાં ઝઘડો થયો છે તેમજ મેં માઝીમ અને આદિલ તેમજ અન્યને બોલાવ્યા છે તો તું પણ સાથે આવજે.
બાદમાં હું તેમજ મારા મિત્રો રાત્રે નવ વાગે રેલવે સ્ટેશન પહોંચીને આરપીએફ પોસ્ટ ખાતે જઇ ઘટના જણાવતા તેમણે જીઆરપીમાં જવા સલાહ આપતા અમે રેલવે પોલીસમાં જતા હતા ત્યારે ટ્રેન પ્લેટફોર્મ નંબર-૨ પર આવી જતા અમે મુદસ્સીરને લેવા માટે જતા હતા ત્યારે જેની સાથે ટ્રેનમાં ઝઘડો થયો હતો તેમણે વડોદરાથી બોલાવેલા અન્ય શખ્સો આવી ગયા હતાં. મુદસ્સીર ટ્રેનમાથી ઉતરતાની સાથે જ વડોદરાથી આવેલા શખ્સોએ હુમલો કરતાં હું તેમજ તાલીબ બચાવવા વચ્ચે પડતાં હુમલાખોરોએ ચપ્પુ તેમજ પંચ મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ મારામારીમાં મારી એક તોલાની સોનાની ચેન તૂટીને પડી ગઇ હતી.
પોલીસે જણાવ્યું હતું કે ટ્રેનના કોચમાં મુંબઇથી બેઠેલા યુવાનોએ ઠઠ્ઠા મશ્કરી કરતા હતા અને એક યુવાન ઉપરની સીટ પર ચડતા તે નીચે એક મહિલા પર પડતા ઝઘડો થયો હતો બાદમાં ટ્રેનમાં બેઠેલા શખ્સોએ વડોદરા આવ તને બતાવીએ છીએ તેમ કહી ધમકી આપી હતી.








