પાણીગેટ બાવામાનપુરામાં વીજ કનેક્શન કાપવા ગયેલા એમ.જી.વી.સી.એલ.ના સ્ટાફ પર હુમલો
વીજ કંપનીના કર્મચારીના હાથમાંથી મીટર ઝૂંટવી લેવાની કોશિશ : જાનથી મારી નાખવાની ધમકી
વડોદરા,પાણીગેટ બાવામાનપુરા વિસ્તારમાં વીજ કંપનીના બિલના બાકી નાણાંના પગલે વીજ જોડાણ કાપવા ગયેલા વીજ કંપનીની સ્ટાફ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જે અંગે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ડભોઇ તાલુકાના પીસાઇ ગામે પાટણવાડિયા ફળિયામાં રહેતા જતીન અંબુભાઇ પાટણવાડિયા તથા આસિસ્ટન્ટ લાઇન મેન પ્રવિણભાઇ ભોઇ આજે પાણીગેટ બાવામાનપુરા વિસ્તારમાં વીજ બિલના નાણાં નહીં ચૂકવનાર મકાન માલિકનું વીજ જોડાણ કાપવા માટે ગયા હતા. વાડી બાવામાનપુરા વીમા દવાખાના પાસે અજમલ મહેદી યુસુફ તથા સિદ્દીક યુસુફભાઇ બોજાવાલાનું વીજ કનેક્શન કાપી વીજ કંપનીનો સ્ટાફ પરત જતો હતો. તે દરમિયાન નુસરત ભોજાવાલા એકદમ ઘરની બહાર આવીને ઉશ્કેરાઇને ગાળો બોલવા લાગ્યો હતો. તેણે વીજ કંપનીના સ્ટાફને ધક્કો મારી ટુ વ્હિલર પરથી નીચે પાડી દઇ ઝપાઝપી કરી હતી. વીજ કંપનીના કર્મચારીના હાથમાંથી વીજ મીટર ઝૂંટવીને ભાગવાની કોશિશ કરી હતી. દરમિયાન ટોળું ભેગું થઇ જતા હુમલાખોરને ઘરે લઇ જતા હતા. આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી છે. પોલીસનું કહેવું છે કે, હુમલાખોર આરોપી ફરાર થઇ ગયો છે.
.
વીજ કંપનીના સ્ટાફ પર હુમલો કરનાર સામે કડક કાર્યવાહીની માગ
વડોદરા,
વીજ કંપનીના સ્ટાફ પર થયેલા હુમલા બાદ ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળ દ્વારા એમ.જી.વી.સી.એલ.ના એમ.ડી.ને રજૂઆત કરી છે કે, હુમલાખોર સામે કડક પોલીસ કાર્યવાહી કરવી જોઇએ. વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી દરમિયાન જુનિયર આસિસ્ટન્ટને પણ સાથે મોકલવામાં આવે. જેથી, વીજ ગ્રાહકોને સારી રીતે સમજાવી શકાય અને તેઓ સ્થળ પર જ વીજ બિલની બાકી પડતી રકમ સ્વીકારી શકે અને આવા ઘર્ષણના બનાવો અટકી શકે.

