Get The App

દીપાવલિ પર ડિઝાઇનર નહીં, તોરણ તો આસોપાલવનાં જ

Updated: Nov 10th, 2023

GS TEAM


Google News
Google News
દીપાવલિ પર ડિઝાઇનર નહીં, તોરણ તો આસોપાલવનાં જ 1 - image


સુખ, શાંતિ, વાસ્તુદોષ મુક્તિ આપતાં આસોપાલવનાં તોરણ આસોપાલવથી ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશે છેઃ જૂનાગઢમાં  5 દિવસ દરમ્યાન દોઢથી બે લાખ તોરણોની થતી ખપત

જૂનાગઢ, : દિવાળીના તહેવારોમાં પ્રત્યેક ઘર અને વ્યાપારી સંકુલમાં આસોપાલવના લીલાં તોરણ બાંધવાની હિન્દુ સંસ્કૃતિમાં વિશેષ પરંપરા જોવા મળે છે. બજારમાં મળતા અવનવા ડિઝાઇનર તોરણોને બદલે આસોપાલવના તોરણ બાંધવાની પ્રથા હજુ પણ અકબંધ છે. વાસ્તુશા પ્રમાણે ઘરના દરવાજે તોરણ બાંધવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃધ્ધિ આવે છે. તેથી દિવાળીના તહેવારો દરમ્યાન આસોપાલવના તોરણ બાંધેલા જોવા મળે છે. જાતે તૈયાર કરી પાથરણા પાથરી વેંચતા નાના ધંધાર્થીઓ માટે આસોપાલવના તોરણ રોજગારીનું સાધન બની રહે છે. જૂનાગઢમાં ૫ાંચ દિવસ દરમ્યાન દોઢથી બે લાખ તોરણોની ખરીદી કરવામાં  આવેે છે. 

નવાં વર્ષને વધાવવા આસોપાલવના બનાવેલા તોરણ બાંધવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે તે હજુ પણ અકબંધ છે. બજારમાં  અવનવા પ્રકારના  રંગબેરંગી આટફિશિયલ ફૂલોના તોરણનું વેંચાણ થઈ રહ્યું છે પરંતુ પાંચ દિવસ દરમ્યાન લોકો દ્વારા ઘર અને વ્યાપારી સંકુલો પર આસોપાલવના લીલા પાનનું તોરણ અચૂક બાંધવામાં આવે છે. ટ્રાવેલ્સ અને ટ્રક ધારકો, ખાનગી કાર ચાલકો પણ તેના વાહન પર આસોપાલવના તોરણ બાંધી રહ્યા છે. પ્રાચીન માન્યતા અનુસાર આસોપાલવ ના પાંદડા વાસ્તુદોષને નાશ કરે છે. તેનાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થતી નથી અને સકારાત્મક ઉર્જા પ્રવેશે છે. ઘર અને દુકાન પર  આસોપાલવના તોરણ બાંધવાથી સુખ, શાંતિ અને સમૃધ્ધિ પ્રવેશ કરે છે અને  દુઃખ, ચિંતા, ઉપાધિ દૂર થાય છે. પ્રાચીન કાળથી ચાલતી ધામક માન્યતા અનુસાર ભગવાન શ્રીરામ લંકા પર વિજય પ્રાપ્ત કરી પરત અયોધ્યા ફર્યા ત્યારે તેની ખુશીમાં આસોપાલવના તોરણ બાંધવામાં આવ્યા હતા.

જૂનાગઢમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા અને આથક નબળી પરિસ્થિતિ ધરાવતા લોકો માટે દિવાળી પર્વમાં આસોપાલવનું તોરણનું વેંચાણ ખરા અર્થમાં શુકનવંતું અને રોજગારીનું મુખ્યત્વે કેન્દ્ર બની રહે છે. અગિયારસથી બેસતા વર્ષ દરમ્યાન વહેલી સવારથી જ ૨૦થી૨૫ ફૂટ ઊંચા આસોપાલવના ઝાડ પર ચડી પાનને એકત્ર કરવામાં આવે છે અને ત્યારબાદ શીંદરી વડે બાંધી તોરણ તૈયાર કરવામાં આવે છે. પરિવાર સાથે આસોપાલવના તોરણનું વેંચાણ કરતા પાથરણા ધારકના જણાવ્યા મુજબ ઉચા વૃક્ષ ઉપર ચડી આસોપાલવને ઉતારવાનું કામ કઠિન બને છે. જૂનાગઢમાં ઓધડનગર, ખામ ધ્રોળ, જોષીપરા, ખલીલપુર રોડ, ઝાંઝરડા ચોકડી, મધુરમ અને દોલતપરા સહિતના વિસ્તારોમાં રહેતા પછાત વર્ગના 250થી વધુ પરિવારો તોરણ બનાવવાનું કામ કરે છે. શહેરમાં સરદાર બાગના ડેલામાં મોટી સંખ્યામાં આસોપાલવના વૃક્ષો આવેલા છે. ખાનગી વાડી અને બગીચાઓમાંથી આસોપાલવના પાન પ્રાપ્ત થઈ જાય છે. દિવાળીના પાંચ દિવસ દરમિયાન જૂનાગઢમાં અંદાજિત દોઢથી બે લાખ આસોપાલવના તોરણ નું વેચાણ થાય છે. આમ, નાના ધંધાર્થીઓને રોજગારી મળતી હોવાથી દિવાળી શુકનવંતી બને છે.

Tags :