Get The App

ડભોઇમાં મહિલાઓ સહિતના ટોળાએ પોલીસને ઘેરીને જીવલેણ હુમલો કર્યો

પોલીસ આપણને જ પકડે છે કહી ભરબપોરે હુમલાથી તંગદિલી ઃ બે કોન્સ્ટેબલોને ઇજા

Updated: Jun 4th, 2026

GS TEAM

Google News
Google News
ડભોઇમાં મહિલાઓ સહિતના ટોળાએ પોલીસને ઘેરીને જીવલેણ હુમલો કર્યો 1 - image

ડભોઈ તા.૪ ડભોઈ મહુડી ભાગોળ વિસ્તારમાં ઘર પાસે છોડ મૂકવા બાબતે બે પાડોશીઓ વચ્ચે થયેલા ઝઘડા બાદ પોલીસ કાર્યવાહી કરતી હતી ત્યારે એક જૂથના લોકોએ અમોને જ પકડો છો તેમ કહી પોલીસ પર હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં તંગદિલી વ્યાપી ગઇ છે. મહિલાઓ સહિતના ટોળાના હુમલામાં બે પોલીસ કોન્સ્ટેબલોને ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે પોલીસે આ અંગે ગુનો નોંધી વડોદરાના તાંદલજા વિસ્તારના બે સહિત ચારની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ડભોઇમાં મહુડીભાગોળ વિસ્તારમાં આવેલી સાફીયાપાર્ક સોસાયટીમાં ઘર પાસે છોડ મૂકવા મુદ્દે બે પાડોશીઓ વચ્ચે ઝઘડો થતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો  હતો. બંને પક્ષોની અરજીના આધારે પોલીસ તપાસ કરતી હતી જ્યારે એક પક્ષના હુમલામાં બે ઇજાગ્રસ્તોને સરકારી દવાખાનામાં દાખલ કરાયા હતાં.

આ અરજીઓની તપાસ કરતા ડભોઇ પોલીસના હેડ કોન્સ્ટેબલ નવીનભાઈ રવજીભાઈ ઝાલા અને પોલીસ કોન્સ્ટેબલ શુભમભાઈ સતીશભાઈ સરકારી દવાખાના પાસે તપાસના કામ માટે ગયા હતા ત્યારે પરવેજ ઉર્ફે રાજા સિકંદર ગરાસસીયાએ તેના સંબંધીઓ તેમજ અન્યને ઉશ્કેરીને પોલીસ પર હુમલો કર્યો હતો.

મહિલાઓ સહિતના ટોળાએ ભેગા થઇ પોલીસ આપણને જ પકડે છે, સામાવાળાને પકડતી નથી, પોલીસને જાનથી મારી નાખો તેમ કહી બૂમો પાડી ઇંટો વડે તેમજ ગરદાપાટુ માર બંને પોલીસ કોન્સ્ટેબલોને માર્યો હતો. ગઇકાલે બપોરે થયેલી આ અથડામણની જાણ નજીકમાં જ આવેલા પોલીસ સ્ટેશનાં થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવતા હુમલાખોરો નાસી ગયા  હતાં. આ અંગે ડભોઇ પોલીસે નવીન ઝાલાની ફરિયાદ મુજબ પરવેઝ ઉર્ફે રાજા સહિત ૧૧ સામે ગુનો નોંધ્યો હતો.