Get The App

આજવા રોડ પર નવા વર્ષની પૂર્વ રાત્રે યુવકને દારૃની પાર્ટી કરવા બોલાવી હત્યા

કોણે દારૃની પાર્ટીનું આયોજન કર્યુ અને કોણ કોણ પાર્ટીમાં હાજર હતા, તેની તપાસ ઃ આરોપીએ કરેલો એક જ ઘા જીવલેણ નીવડયો

Updated: Oct 25th, 2025

GS TEAM

Google News
Google News
આજવા રોડ પર  નવા વર્ષની પૂર્વ રાત્રે  યુવકને દારૃની  પાર્ટી કરવા  બોલાવી  હત્યા 1 - image

વડોદરા,નવા વર્ષની પૂર્વ રાત્રે આજવા રોડ નારાયણધામ સોસાયટીમાં જૂના ઝઘડાની અદાવતે યુવક પર હુમલો કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડયો છે. જોકે, મૃતકની  પત્નીનું કહેવું છે કે, મારા  પતિને દારૃની પાર્ટી કરવા બોલાવ્યો હતો.

હત્યાની ઘટના અંગે પોલીસ સૂત્રો મળતી માહિતી મુજબ, ફતેપુરા મંગલેશ્વર ઝાંપા હરિજન વાસમાં રહેતો ૨૯ વર્ષનો અક્ષય સફાઇ સેવક છે. ગયા વર્ષે તેને ફતેપુરા વિસ્તારમાં રહેતા દેવેન્દ્ર ઉર્ફે રાજા સુરેશભાઇ સોલંકી, ઉં.વ.૪૦ સાથે ઝઘડો થયો હતો. અક્ષયે કરેલા હુમલામાં દેવેન્દ્ર ઉર્ફે રાજાને કોણી પર ઇજા થતા છ ટાંકા આવ્યા હતા. જે અંગે પોલીસ ફરિયાદ  પણ થઇ હતી. તે સમયે દેવેન્દ્ર ઉર્ફે રાજાએ અક્ષયને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારબાદ દેવેન્દ્ર ઉર્ફે રાજા  આજવા રોડ ,  રામદેવનગર - ૨ ની પાછળ, નારાયણ ધામની બાજુમાં ગાયત્રી  પાર્ક સોસાયટીમાં રહેવા જતો રહ્યો હતો. નવા વર્ષની આગલી રાતે અક્ષયના મિત્ર સન્ની સાથે તેના મિત્રોને મળવા માટે નારાયણધામ સોસાયટી તરફ ગયો હતો. તેઓ ગલ્લા નજીક બાઇક પાર્ક કરતા હતા. તે દરમિયાન ગલ્લા પર હાજર દેવેન્દ્ર ઉર્ફે રાજાએ ખંજર વડે અક્ષયના છાતીના ભાગે એક ઘા મારી દેતા અક્ષય લોહીલુહાણ હાલતમાં ઢળી પડયો હતો. હુમલો કર્યા પછી દેવેન્દ્ર ઉર્ફે રાજા ભાગી ગયો હતો. જ્યારે અક્ષયને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો.

 આ ઘટના અંગે અક્ષયના ભાઇ મિતેશ સોલંકી (રહે. દિલારામ કમ્પાઉન્ડ ,અલકાપુરી મૂળ રહે. ફતેપુરા) એ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બાપોદ પી.આઇ.  એમ.કે.ગુર્જરે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો છે. આરોપી પાસેથી ખંજર પણ કબજે લેવામાં આવ્યું છે. 



ચાર મહિના અગાઉ પણ આરોપીએ ધમકી આપી હતી

 વડોદરા,

ચાર મહિના  પહેલા દેવેન્દ્ર ઉર્ફે રાજા ચપ્પુ લઇને ફતેપુરા વિસ્તારમાં આવ્યો હતો અને તેણે અક્ષયને ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.તે સમયે અક્ષયે દેવેન્દ્ર ઉર્ફે રાજા સામે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. જે ફરિયાદ અરજી સ્વરૃપે લેવામાં આવી હતી. 


અક્ષયની  હત્યામાં  પૂર્વઆયોજિત  કાવતરાની શંકા

વડોદરા,

અક્ષયનો મિત્ર સન્ની (રહે. સમા) બનાવની રાતે અક્ષયના ઘરે ગયો હતો અને અક્ષયને લઇ ગયો હતો. સન્ની અને અક્ષય ગલ્લા પર પહોંચ્યા ત્યારે અગાઉથી જ દેવેન્દ્ર ત્યાં  હાજર  હતો. તે યોગાનુયોગ હતું કે પછી કોઇ પૂર્વઆયોજીત કાવતરું હતું. તે અંગે પોલીસને પણ શંકા છે. જેથી, પોલીસે સી.ડી.આર. અને સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરી છે.


હત્યાને નજરે જોનાર સાક્ષીઓ પાસે ઓળખ પરેડ કરાવાશે

 વડોદરા,

અક્ષયની હત્યાને નજરે જોનાર સાક્ષીઓ પોલીસને મળી આવ્યા છે. જેથી, પોલીસ દ્વારા આરોપીની ઓળખ પરેડ કરાવવામાં આવશે. તેમજ જરૃર પડયે વધુ તપાસ માટે આરોપીનો જેલમાંથી કબજો લેવામાં આવશે. અક્ષય સામે અગાઉ ગુનાઓ નોંધાયા છે. જ્યારે આરોપી દેવેન્દ્ર સામે અગાઉ ત્રણ થી ચાર અરજીઓ થઇ હોવાનું પોલીસે જણાવ્યું છે. 



અક્ષયે સ્થળ પર પહોંચ્યા પછી પત્નીને વીડિયો કોલ કર્યો  હતો

 વડોદરા,

હત્યામાં જીવ  ગુમાવનાર અક્ષય સોલંકીની પત્નીએ જણાવ્યું હતું કે, મારા પતિને દારૃ પીવા માટે તેના મિત્રોએ બોલાવ્યો હતો. ત્યા ંજઇને મારા  પતિએ મને વીડિયો કોલ પણ કર્યો હતો કે,હું  પહોંચી ગયો છું. તેમણે  કુનાલ, રવિ તથા સરદારજી નામના વ્યક્તિ પર પણ શંકા વ્યક્ત કરી  હતી.