- અલંગ પોલીસ મથકમાં 2 મહિલા સહિત 5 શખ્સો સામે ગુનો નોંધાયો
- લોખંડની કોસ અને કુહાડીથી હુમલો કરતા જૂનિયર એન્જીનિયર અને હેલ્પર ભાગીને બહાર જતા અન્ય એક શખ્સે ધમકી આપી
અમરેલી જીયુવીએનએલ વિજીલન્સ સ્ક્વોર્ડમાં જૂનિયર એન્જીનિયર તરીકે ફરજ બજાવતા વિવેકભાઈ સુખદેવભાઈ વૈરાગીએ અલંગ પોલીસ મથકમાં ગોરધન આલજીભાઈ પડાયા, પ્રવિણાબેન, રિનાબેન, ચેતન અરવિંદભાઈ પડાયા અને મહેન્દ્ર ગોરધનભાઈ પડાયા (તમામ રહે.બેલા, તા.તળાજા) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગતરોજ સવારે આઠેક વાગ્યાના અરસામાં તેઓ તથા તેમના હેલ્પર સંજયભાઈ બેલા ગામે ગોરધનભાઈ આલજીભાઈ પડાયાના મકાનમાં લંગર વાયર જોડી વીજચોરી કરવામાં આવતી હોવાનું જણાતા તેમના મકાનમાં જતા ઉક્ત પ્રવિણાબેન અને રીનાબેને તેમની સાથે ઝપાઝપી કરી અપશબ્દો કહ્યાં હતા. તેમજ ગોરધનભાઈ અને ચેતનભાઈએ લોખંડની કોસ અને કુહાડી વડે માર મારી ઈજા કરી અપશબ્દો કહી ધમકી આપી હતી. જેથી તેઓ તથા તેમના હેલ્પર ભાગીને મકાન બહાર જતાં ઉક્ત મહેન્દ્રભાઈએ અપશબ્દો કહી ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હતી. આ અંગે અલંગ પોલીસે ગુનો નોંધ્યો છે.
વીજચેકિંગમાં પોલીસ પ્રોટેક્શન માત્ર નામનું
સામાન્ય રીતે પીજીવીસીએલની વીજ ચેકિંગની કામગીરી દરમિયાન વીજકર્મીઓને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે છે ત્યારે ગતરોજ આયોજીત થયેલી ડ્રાઈવમાં પોલીસ પ્રોટેક્શન માત્ર નામનું જ હોય તેમ બેલા ગામે જે ટીમ વીજ ચેકિંગ કરવા ગઈ હતી તેની સાથે માત્ર બે એસઆરપીના જવાનો જ હતા અને ભોગ બનનાર જુનિયર એન્જીનિયર અને હેલ્પર સાથે એક પણ એસઆરપી જવાન નહી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.
મહુવા ડિવિઝનના 114 કનેક્શનોમાં રૂ. 42.47 લાખની વીજચોરી ઝડપાઈ
મહુવા ડિવિઝનના પાંચ સબ ડિવિઝન હેઠળ કુલ ૭૫૨ વીજ કનેક્શનોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી ૧૧૪ વીજ કનેક્શનોમાં રૂ.૪૨.૪૭ લાખની વીજ ચોરી ઝડપાઈ હતી.


