Get The App

13મી નવેમ્બર- 1947 ના સરદાર પટેલે સોમનાથ મંદિરના જિર્ણોધ્ધારનો સંકલ્પ કર્યો હતો

Updated: Nov 12th, 2025

GS TEAM

Google News
Google News
13મી નવેમ્બર- 1947 ના સરદાર પટેલે સોમનાથ મંદિરના જિર્ણોધ્ધારનો સંકલ્પ કર્યો હતો 1 - image

આજે સોમનાથ મદિર સંકલ્પ દિન : તે સમયે મંદિર ઉપર ચડાવવા ધ્વજા હાથવગી ન હોવાથી સરદારના સ્વાગત માટે લાવવામાં આવેલા રાષ્ટ્રધ્વજને ઉત્સાહિત લોકોએ જિર્ણ મંદિરના કાંગરે લહેરાવી દીધો હતો

પ્રભાસ-પાટણ, : ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે દેશ આઝાદ થયા બાદ 13 નવેમ્બર 1947ના દિવસે વિક્રમ સવંત 2004ના પ્રથમ દિવસ એટલે કે, બેસતા વરસે તુરત જ સોમનાથ ગયા હતાં. અને આ મંદિરની જીર્ણ દશા જોઈ તેનું હૃદય દ્રવી ઉઠયું હતું. 

તેઓ સડસડાટ સોમનાથ મંદિર નજદીકના સાગર સ્થળે પહોંચ્યા અને હાથમાં સાગરના જળની અંજલિ લઈ દ્રઢ પ્રતિજ્ઞાા કરી કે સોમનાથ મંદિરનો જીર્ણોધ્ધાર કરાશે. તે સ્થળે ઉપસ્થિત સમુદાયને સંબોધતાં તેમણે જણાવયું કે, 'નૂતન વર્ષના આ શુભ દિવસે આપણે નિશ્ચિય કર્યો છે કે, સોમનાથના મંદિરનું પુનઃનિર્માણ થવું જોઈએ અને આ પરમ અને પવિત્ર કર્તવ્ય છે. જેમાં સૌએ ભાગ લેવો જોઈએ'. તે સમયે મંદિર ઉપર ચઢાવવા ભગવી ધજા તો ન હતી પરંતુ સરદારના સ્વાગત માટે લવાયેલ રાષ્ટ્રધ્વજને ઉત્સાહિત લોકોએ જિર્ણ મંદિરના કાંગરે લહેરાવી દીધો હતો. 

જિર્ણ સોમનાથ મંદિર કેવું હતું તે અંગે કનૈયાલાલ મુનશી કહે છે. '1922ના ડિસેમ્બરમાં હું આ ખંડિત તીર્થની યાત્રાએ ગયો હતો. ત્યારે સભા મંડપમાં તૂટેલ ફરસ, ખંડિત સ્થંભો અને વેરવિખેર પત્થરો જોઈ મારા હૃદયે શરમ અનુભવી. એ સભા મંડપ એક વેળા વેદગાનથી અને શૌર્યથી પ્રકિર્તીત થયો હતો. ત્યાં મારા અપરિચીત પગલાંનો અવાજ સાંભળી ગરોળીઓ પોતાના દરમાંથી બહાર ડોકાઈ પાછી સંતાઈ જતી હતી. અને કોઈક અધિકારીનો ત્યાં બાંધેલો અશ્વ મારા આગમનને સાંભળી માથું ધૂણાવતો હણહણાટી કરતો હતો. કનૈયાલાલ મુનશીએ કહ્યું હતું કે, જો સરદાર પટેલ ન હોત તો આપણી આંખો સોમનાથનું પુન:નિર્માણ જોવા પામી ન હોત.