Get The App

ઓલિમ્પિકની વાતો વચ્ચે સ્પોર્ટ્સની ભારોભાર અવગણના, કોચ છે ત્યાં મેદાન નથી અને મેદાન છે ત્યાં કોચ નથી

Updated: Aug 4th, 2025

GS TEAM

Google News
Google News
ઓલિમ્પિકની વાતો વચ્ચે સ્પોર્ટ્સની ભારોભાર અવગણના, કોચ છે ત્યાં મેદાન નથી અને મેદાન છે ત્યાં કોચ નથી 1 - image
AI IMAGE

Gujarat Olympics : ગુજરાતમાં ઓલિમ્પિકનું આયોજન કરવાની એક બાજુ વાતો અને  તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે બીજી બાજુ ખરેખર જ્યાંથી ઓલિમ્પિક માટેના ખેલાડીઓ તૈયાર થઈ શકે છે તે કોલેજો-યુનિ.ના વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટસની તૈયારી-સુવિધાઓ અને પ્રેરણાના નામે મીંડુ જોવા મળી રહ્યુ છે. સૌથી જુની અને મોટી એવી ગુજરાત યુનિવર્સિટીમાં સત્તાધિશોની સ્પોર્ટસ પ્રત્યેની ભારોભાર અવગણના વચ્ચે છેલ્લા પાંચ વર્ષથી સ્પોર્ટસના કાયમી ડિરેકટર જ નથી. ઉપરાંત આખા ફિઝિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમા એક કોચને બાદ કરતા તમામ સ્ટાફ હંગામી છે અને શારીરિક શિક્ષણના પીજી કોર્સમાં પણ એકેય કાયમી શિક્ષક નથી.એટલુ જ નહીં ગંભીર અને ચોંકાવનારી વાત એ છે કે યુનિ.માં 22 વર્ષથી હોકીના કાયમી કોચ છે પરંતુ હોકીનું મેદાન જ નથી. જ્યારે જે રમતો માટે કોર્ટ-મેદાન છે તેમાં કોઈ કોચ જ કે ટ્રેનર જ નથી. 

પાંચ વર્ષથી સ્પોર્ટસ ડિરેકટર જ નથી,અન્ય તમામ સ્ટાફ પણ હંગામી 

ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ 25થી વધુ વિભાગો આવેલા છે અને જેમાં 3થી4 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટસની કોઈ પુરતી સુવિધાઓ જ નથી. ઉપરાંત ટ્રેનર,કોચ કે સ્પોર્ટસ ઈન્સ્ટ્રકટર કે પીટી ઈન્સ્ટ્રકટર સહિતનો સ્ટાફ જ નથી. મળતી માહિતી મુજબ ગુજરાત યુનિ.માં છેલ્લા 22 વર્ષથી હોકીના કામયી કોચ છે, પરંતુ મહત્વની વાત એ છે કે હોકીનું મેદાન જ નથી. હોકીની કોઈ ટૂર્નામેન્ટ હોય તો સિન્થેટિક ટ્રેકની વચ્ચે હોકીના ગોલ પોસ્ટ મુકી દેવામા આવે છે.

સિન્થેટિક ટ્રેક પણ કરોડોના ખર્ચે બન્યો છે અને કોઈ ટૂર્નામેન્ટ થતી નથી અને વેડફાઈ રહ્યો છે.જ્યારે યુનિ.માં હાલ ટેનિસ કોર્ટ,બેડમિન્ટ કોર્ટ અને ચેસથી માંડી સ્વિમિંગ સહિતની વિવિધ રમતો માટેની સુવિધાઓ છે-મેદાન છે પરંતુ તેના કોચ જ નથી. એટલું જ નહીં ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા પાંચ વર્ષથી સ્પોર્ટસના કોઈ કાયમી ડિરેકટર જ નથી. પાંચ વર્ષમાં અન્ય વિષયો-વિભાગના છ અઘ્યાપકોને સ્પોર્ટસ ડિરેકટરનો ચાર્જ આપીને કામગીરી ચલાવાય છે.

જ્યારે બીજી બાજુ જે અઘ્યાપકોને કામગીરી સોંપાય છે ન તો તેઓ તેમના વિષયના અભ્યાસમાં-ટીચિંગમાં, ગાઈડશિપમાં કે રિસર્ચમાં ઘ્યાન આપી શકે છે કે ન તો પુરતુ સ્પોર્ટસમાં ઘ્યાન આપી શકે છે.કારણકે સ્પોર્ટસનો વિષય જ તેમનો નથી અને સ્પોર્ટસનું પ્રોફેશનલ નોલેજ પણ તેઓ પાસે નથી હોતુ.હાલના ડિરેકટર કે જેઓ સાયબર સિક્યુરિટીના એક્સપર્ટ અને સીનિયર પ્રોફેસર હોઈ તેઓ પણ સ્પોર્ટસની કામગીરીથી કંટાળી ગયા છે ત્યારે યુનિ.દ્વારા હવે તેઓને દૂર કરીને કોઈ અન્ય કાયમી ડિરેકટર લવાશે કે નહીં તે પ્રશ્ન છે.

ગુજરાત યુનિ.માં ફિઝિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં કહેવાપુરતા કેટલાક હંગામી કર્મચારીઓ છે અને કોચને બાદ કરતા એક પણ કાયમી સ્ટાફ નથી. ફીઝિકલ એજ્યુકેશનના માસ્ટર ડિગ્રી પ્રોગ્રામમાં છેલ્લા 20 વર્ષથી પણ વધુ સમયથી એક પણ કામયી ફેકલ્ટી જ નથી.બહારથી ફેકલ્ટી લાવીને કોર્સ ચલાવવામા આવી રહ્યો છે.યુનિવર્સિટી લેવલે વિદ્યાર્થીઓને સ્પોર્ટસ માટે નથી પુરતુ પ્રોત્સાહન મળતુ કે નથી કોઈ પુરતી જાણકારી મળતી કે નથી કોઈ  પુરતી ટ્રેનિંગ મળતી.

ઓલિમ્પિકની તૈયારીઓ અને વાતો વચ્ચે ગુજરાત યુનિ.માં સ્પોર્ટસને લઈને ભારોભાર અવગણના થઈ રહી છે અને યુનિ.ના સત્તાધિશોના પેટનું પાણી પણ નથી હલતું.અન્ય કરોડોના તાયફાના કાર્યક્રમોમાં વ્યસ્ત સત્તાધિશોને સ્પોર્ટસ પ્રત્યે ગંભીરતા જ નથી ત્યારે રાજ્યપાલ એટલે કે કુલાધિપતિની પણ રમત-ગમતને વેગ આપવાની શીખામણને પણ યુનિ.ઘોળીને પી ગઈ છે.  મહત્વનુઁ છે કે નેકની ટીમે પણ યુનિ.ને ટકોર કરી હતી કે સ્પોર્ટસ ફેસિલિટીનો પુરતો ઉપયોગ થઈ રહ્યો નથી.

યુનિ.-કોલેજ ટૂર્નામેન્ટોના અણઘડ આયોજનોઃ વિદ્યાર્થીઓને અન્યાય

લોકલ સ્પોર્ટસ કમિટી દ્વારા બેડમિન્ટન, કબબ્બડી, રાઈફલ શૂટિંગ, ફૂટબોલ,ચેસ,સ્વિમિંગ,ક્રિકેટ,હોકી, હેન્ડબોલ સહિતની 20થી વધુ રમતો માટે ઇન્ટર કોલેજ ટૂર્નામેન્ટનુંટાઈમટેબલ નકકી કરાયુ હતું. જેમાં 30 અને 31 જુલાઈએ સ્વિમિંગ-ચેસ માટેની કોમ્પિટિશન હતી પરંતુ આ બે સ્પર્ધા માટે યુનિ.ના વિવિધ પીજી કોર્સીસ-વિભાગોમાંથી વિદ્યાર્થીઓ-ખેલાડીઓના નામ મંગાવવાના હતા ત્યારે કોઈ પ્લાનિંગ જ ન થયુ અને વિદ્યાર્થીઓ સ્પોર્ટસ ડિપાર્ટમેન્ટમાં બારોબાર નામ આપી ગયા પછી ઘ્યાને આવ્યુ કે બાકીની ટૂર્નામેન્ટ માટે તમામ વિભાગોમાંથી સિલેકશન સાથે નામો આવે તે માટે પીજી વિભાગોની મીટિંગ કરવી પડશે.

જેથી યુનિ.ના સેન્ટ્રલ જીમખાના દ્વારા 30મીએ મીટિંગ બોલાવાઈ પરંતુ આ મીટિંગમાં પણ કોમર્સ સહિતના ઘણા વિભાગોના કોઈ પ્રતિનિધિ-અઘ્યાપક હાજર રહ્યા નહીં. ઘણા પીજી કોર્સીસ-વિભાગોના વિદ્યાર્થીઓને ખબર જ નથી કે આવી કોઈ ટૂર્નામેન્ટ થઈ રહી છે ત્યાં ભાગ ક્યાંથી લે.તમામ વિભાગોને પરિપત્ર પણ કરાયો પરંતુ ઘણા વિભાગે રમતો માટેનો પરિપત્ર નોટિસબોર્ડ પર મુકવાની તસ્દી જ લીધી ન હતી.જ્યારે પરિપત્રમાં પણ છબરડો કરીને 31 જુલાઈ સુધીમાં નામો મંગાવાયા હતા. સેન્ટ્રલ જીમખાના-વિભાગીય વડાનું કહેવુ છે કે લોકલ સિલેકશન કમિટીમાં તેઓને બોલાવાયા જ નથી.

કરોડોના ઈન્ડોર સ્ટેડિયમ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ સહિતની સુવિધાઓ બંધ

ગુજરાત યુનિ.માં કરોડના ખર્ચે ઈન્ડોર સ્ટેડમિયથી માંડી સ્પોર્ટસ કોમ્પલેક્ષ સાથે આખુ સ્પોર્ટસ સિટી ઉભુ કરાયુ છે અને મોટું બોર્ડ પણ મારી દેવાયુ છે.પરંતુ આ સ્પોર્ટસ સિટીમાં પ્રવેશતા જ જાણે કે સ્પોર્ટસ નામે કરોડો રૂપિયાના વેડફાટ ચાલી રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે.ઈન્ડોર સ્ટેડિયમ કે જ્યાં વિવિધ ટૂર્નામેન્ટો થતી હોય છે તે બંધ છે અને કાર્યક્રમ માટે આપી દેવાતા ગ્રાઉન્ડથી માંડી ઈન્ડોર સ્ટેડિયમ માટે પણ વિભાગીય ડિરેકટરની કન્સેન્ટ લેવાતી ન હોય કે ચર્ચા ન થતી હોવાનું સામે આવ્યુ છે.

યુનિ.માં કરોડોના ખર્ચે બનેલ રાઈફલ શૂટિંગનો ફેઝ-1 પણ બનીને તૈયાર છે પરંતુ કોઈ ઈવેન્ટ-ટૂર્નામેન્ટ થઈ નથી અને હજુ બીઝો ફેઝ બનવાનો બાકી છે.જ્યારે બેડમિન્ટ અને ટેનિસ કોર્ટ ખાનગી એજન્સીઓને ચલાવવા આપી દેવાયા છે.જેથી યુનિ.ના રમાડવા માટે પણ વિભાગે વિચારવુ પડે છે કે સિલેકશન માટે પણ આ કોર્ટમાં એક દિવસમાં જ આયોજનો કરવા પડે છે.ઉપરાંત વોલીબોલ-બાસ્કેટ બોલ માટે ખર્ચો કરી માટી મંગાવાઈ હતી પરંતુ કાર્યક્રમ માટે ત્યાં પણ સીમેન્ટ નાખી ધેવાઈ હતી.જ્યારે સ્પોર્ટસની ઘણી સુવિધાઓ જ બંધ છે.

Tags :