Get The App

ઓલપાડના ખેડૂતે નેધરલેન્ડ થી બિયારણ મંગાવી પાંચ પ્રકારના કેપ્સીકમ ઉગાડ્યા

કરંજ ગામના ખેડૂતે ખેતરમાં ગ્રીન હાઉસ બનાવી નવતર પ્રયોગ કર્યો : જો કે કોરોનાને લીધે કેપ્સીકમના પુરતા ભાવ પણ મળતા નથી

Updated: Dec 23rd, 2020

GS TEAM

Google News
Google News
ઓલપાડના ખેડૂતે નેધરલેન્ડ થી બિયારણ મંગાવી પાંચ પ્રકારના કેપ્સીકમ ઉગાડ્યા 1 - image

(પ્રતિનિધિ દ્વારા) સુરત, મંગળવાર

નેધરલેન્ડના કલર કેપ્સીકમ મરચા હવે સુરતના ઓલપાડમાં મળતા થઈ ગયા છે. દરિયાઈ કાંઠે વસેલા ખેડૂતે ગ્રીનહાઉસમાં એક નવતર પ્રયોગ તૈયાર કર્યો છે. જેમાં તેમણે નેધરલેન્ડ થી બિયારણ મંગાવી વાવેતર કર્યું છે. ગ્રીન સાથે અન્ય પાંચ કલરના કેપ્સિકમની તેઓ ખેતી કરી રહ્યા છે.

આજે રાષ્ટ્રીય કિસાન દિવસ છે અને કૃષિપ્રધાન દેશમાં દરિયાઈ કાંઠે ગામડાના ખેડૂતો શાકભાજી, ડાંગર અને શેરડીની ખેતી થી કંટાળી હવે આધુનિક ખેતી તરફ વળ્યાં છે. ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કરંજ ગામના ખેડૂત ચેતનભાઈ પટેલ છેલ્લા 20 વર્ષથી ખેતી કરે છે. શેરડી અને ડાંગર આ વિસ્તારનો મુખ્ય પાક રહ્યો છે. જો કે દિન-પ્રતિદિન ખેતી ખર્ચાળ થતી જતા તેમણે પોતાના ખેતરમાં ગ્રીનહાઉસ બનાવી શરૂઆતમાં જરબેરાની ખેતી કરી હતી.પરંતુ પ્રાથમિક સફળતા મળ્યા બાદ ફૂલોની માંગ ઘટી જતા તેઓ દેવામાં ઉતરી ગયા હતા. જો કે એક સેમિનારે તેમની જિંદગી બદલી. ચેતનભાઈએ નેધરલેન્ડ થી રૂ.50 હજારના ભાવથી બિયારણ મંગાવી વાવેતર કર્યું હતું.

જુલાઈ માસમાં તેમણે વાવેતર કર્યું હતું. 8 થી 9 મહિનાનો આ પાક છે. જેમાં ગ્રીન કેપ્સિકમનો ભાવ 8 થી 10 રૂપિયે કિલો હોય છે. જોકે, અહીં ગ્રીનની સાથે અલગ અલગ પાંચ કલર કેપ્સીકમ વેરાઈટીઓનું ઉત્પાદન થાય છે. જેનો ભાવ સરેરાશ 130 થી 150 રૂપિયે કિલો રહે છે. પરંતુ હાલ કોરોના મહામારી અને રાત્રી કર્ફ્યુ ને કારણે લગ્નપ્રસંગોમાં વિઘ્ન આવતા કલર કેપ્સિકમ મરચા ના ભાવને પણ ગ્રહણ લાગ્યું છે.

ખેડૂત ચેતન પટેલે કહ્યું કે, નેધરલેન્ડ થી વેરાયટી મંગાવી અને સામાન્ય રીતે 120 દિવસમાં હારવેસ્ટિંગ થાય છે. મોટી મોટી હોટેલ મોલમાં કલર કેપ્સિકમનો ઉપયોગ થાય છે જેથી તેના ભાવ 130 થી 150 મળવો જોઈએ, પણ કોરોનાને લીધે ભાવ ઓછા મળે છે.

Tags :