ફળિયામાં સૂતેલાં વૃધ્ધાનું ગળું દબાવી માર મારીને અડધા લાખની લૂંટ

જોડિયાના બોડકા ગામે લૂંટારૂ ટોળકી ત્રાટકી
મહિલા તથા ત્રણ પુરૂષો સહિત 4ની ટોળકી વૃધ્ધાના કાનમાંથી સોનાના ઠોળિયા તથા રોકડ સાથેનું પર્સ લૂંટી લઈને ફરાર
આ બનાવની વિગત એવી છે કે જોડિયા તાલુકાના બોડકા ગામમાં રહેતા જશવંતીબેન જગદીશભાઈ ગડારા નામના ૮૦ વર્ષના પટેલ વૃદ્ધ મહિલા રાત્રિના એકાદ વાગ્યા આસપાસ પોતાના મકાનના ફળિયામાં ખાટલો ઢાળીને સુતા હતા તે દરમિયાન એક સ્ત્રી અને ત્રણ પુરુષ સહિતના ચાર લૂંટારું શખ્સો ફળિયામાં ઘૂસી આવ્યા હતા, અને વૃદ્ધ મહિલાનું મોઢું અને ગળું દબાવી તેમના કાનમાંથી સોનાના ઠોળીયાની લૂંટ ચલાવી હતી, સાથો સાથ રોકડ રકમ ભરેલું પર્સ પણ લૂંટી લીધું હતું, અને ચારેય લૂંટારુઓ ત્યાંથી ભાગી છુટયા હતા.
ઈજાગ્રસ્ત જસવંતીબેનને સૌ પ્રથમ જોડિયાની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ હતી, ત્યારબાદ તેમણે જોડિયા પોલીસ મથકમાં બનાવની જાણ કરીને ફરિયાદ નોંધાવતાં જોડિયા પોલીસે અજાણ્યા લૂંટારુઓ સામે રૂપિયા અડધા લાખની માલમત્તાની લૂંટ ચલાવવા અંગેનો ગુનો નોંધ્યો છે.
બનાવની તપાસમાં એલસીબીની ટુકડીએ પણ ઝુકાવ્યું છે, અને એલસીબીની ટીમ તથા જોડિયા પોલીસે કોમ્બિંગ હાથ ધરતા લૂંટારૂ ટોળકી હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે. તેઓએ જીરાગઢ ગામમાં પણ એક લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે, જે અંગે પણ પોલીસ ફરિયાદ નોંધવા માટેની તજવીજ હાથ ધરાઈ છે.