અંજલી બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટનામાં વૃદ્ધનું મોત
- પશ્ચિમમાં અકસ્માતમાં બે બનાવ, બે મોત
અમદાવાદ,તા.26 નવેમ્બર 2022,શનિવાર
પશ્ચિમ વિસ્તારમાં ૨૪ કલાકમાં અકસ્માતના બે બનાવમાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે. પાલડીના અંજલી બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટનામાં એક્ટિવા પર સવાર ૬૭ વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઓગણજ રોડ પર શુક્રવારે સવારે બનેલા અન્ય બનાવમાં પિળા કલરની સ્કુલ બસે ટક્કર મારતા બાઈક પર સવાર ૨૨ વર્ષીય યુવકનું મોત થયું હતું. અકસ્માતના બંને બનાવ અંગે શહેર ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહનના ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ઓગણજમાં પિળા કલરની સ્કૂલ બસની ટક્કરથી બાઈક પર સવાર યુવાનનું મોત
વાસણના માધવ એપાર્ટમેન્ટમાં રહેતાં અને રાયપુરમાં દૂકાન ધરાવી વેપાર કરતા અક્ષય અશ્વિનભાઈ શાહ (ઉં,૨૭)એ એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહનના ચાલક વિરૂદ્ધ ફરિયાદ કરી છે. જે મુજબ અક્ષયભાઈના પિતા અશ્વિનભાઈ (ઉં,૬૭)નાઓ ગુરૂવારે સવારે એક્ટિવા લઈને જવા નીકળ્યા હતા. તે દરમિયાન અંજલી બ્રિજ પર ચંદનબાલા કોમ્પ્લેક્સ પાસે અજાણ્યા વાહનના ચાલકે ટક્કર મારતા અશ્વિનભાઈને માથામાં અને શરીરે ગંભીર ઈજા થઈ હતી. અશ્વિનભાઈને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે એન ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ઓગણજ રોડ પર બનેલી અકસ્માતની અન્ય ઘટનામાં કચરીયુ વેચવા માટે બાઈક લઈને રાકેશભાઈ શંકરલાલ નાયક (ઉં,૨૨) રહે, ભગવતીનગર, ગોતા હાઉસિંગનાઓ ઓગણજ ચાર રસ્તા તરફ જતા હતા. દરમિયાન સવારે ૮.૪૫ વાગ્યે ઉમા ટેનામેન્ટસ પાસે રાકેશભાઈના બાઈકને પિળા કલરની સ્કુલ બસે ટક્કર મારી હતી. રાકેશ રોડ પર પટકાતા બસનું ટાયર મોં પરથી ફરી વળ્યું હતું.રાકેશભાઈનું અકસ્માતને પગલે સ્થળ પર મોત નિપજ્યું હતું.અકસ્માતને પગલે બસ લઈને ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.