જૂનાગઢ તાલુકાના વિજાપુરમાં ગ્રાહક શોધતો હતો
પાલીતાણાના વૃધ્ધે તળાજાથી વ્હેલ માછલીની ઉલ્ટી મેળવી હોવાનું રટણ, એસઓજીએ વન વિભાગને હવાલે કર્યો
આ અંગેની વધુ વિગત મુજબ ખડીયા-પાદરીયા રોડ પર રેલ્વે ટ્રેક નજીક એક શખ્સ વ્હેલ માછલીની ઉલ્ટી જેવા મૂલ્યવાન પદાર્થ છુપાવી શંકાસ્પદ રીતે વેંચવા માટે આંટા મારતો હોવાની એસઓજીને બાતમી મળી હતી. જેના આધારે એસઓજી પીઆઈ આર.કે. પરમાર સહિતના સ્ટાફે વિજાપુરના પાટીયા પાસે જઈ તપાસ કરતા વિજાપુરના બસ સ્ટેશન ખાતેથી પાલીતાણાના બહારપરા વિસ્તારમાં રહેતો પંકજ નાથાલાલ કુબાવત(ઉ.વ.૭ર) શંકાસ્પદ હાલતમાં થેલી લઈ ઉભેલો મળ્યો હતો. એસઓજીએ થેલીમાં તપાસ કરતા તેમાં નાના-મોટા સફેદ કલરના ટુકડાઓ અને ભુક્કો મળ્યો હતો. આ શખ્સની પૂછપરછ કરતા તેણે આ પદાર્થ વ્હેલ માછલીની ઉલ્ટી હોવાનું જણાવ્યું હતું.
એસઓજીએ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ૧,૦ર,પ૦,૦૦૦ની કિંમતની ૧ કિલોથી વધુ વ્હેલ માછલીની ઉલ્ટી કબ્જે કરી હતી. આ શખ્સની પૂછપરછ કરતા તેણે આ પદાર્થ તળાજાના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું અને તેને જોયે ઓળખતો હોવાનું જણાવ્યું હતું. વ્હેલ માછલીની ઉલ્ટી વેંચવા માટે ગ્રાહક શોધવા માટે જૂનાગઢ પંથકમાં આવ્યો હતો તેમ જણાવ્યું હતું. એસઓજીએ આ શખ્સને વન વિભાગના હવાલે કર્યો હતો. આરએફઓ અરવિંદ ભાલીયાએ જણાવ્યું હતું કે, પંકજ કુબાવત આ પદાર્થ તળાજાથી લઈ આવ્યાનું કહે છે, આવતીકાલે તેને કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે.


