50 વર્ષ અગાઉ અમદાવાદમાં શ્રાવણના જાગરણમાં જૂની રંગભૂમિના ડબલ રોલના નાટકો આખી રાત ધૂમ મચાવતા
Gujarati Theatre Shravan: શ્રાવણમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે ત્યારે સમાંતરે વ્રત-ઉપવાસોની પરંપરાઓ પણ ચાલુ થઈ ગઈ છે. ગૌરી વ્રત, જયા પાર્વતિ વ્રત કે ફૂલકાજળી જેવા વ્રતો સાથે આવતો શ્રાવણ મહિનો જાગરણનો મહિનો પણ ગણાય છે. એક જમાનામાં જ્યારે સોશિયલ મીડિયા આટલા સ્તરે એક્ટિવ ન હતું ત્યારે પચાસ વર્ષ પૂર્વના અમદાવાદની જાગરણની રાતોને મનોરંજનથી ભરવા માટે ખુલ્લા આકાશ નીચે જૂની રંગભૂમિના નાટકો ભજવાતા.
કેટલાંક નાટકો તો ફિલ્મોની જેમ ડબલ રોલમાં પણ ભજવાતા હતા તે સૌ કોઈને આશ્ચર્ય પમાડે તેવી વાત છે. આપણી જૂની રંગભૂમિમાં ડબલ રોલના પ્રયોગો સાથે શેક્સપિરિયન નાટકોના પ્રયોગો પણ થયા હતા. જે અંગે જૂની રંગભૂમિના સંશોધક રમેશભાઈ પાંચોટિયા જણાવે છે કે આજના સોશિયલ મીડિયાના સમયમાં રાત્રે જાગવું એ અઘરું નથી. એક મોબાઈલ ફોનના સહારે કોઈપણ વ્યક્તિ જાગરણ કરી શકે તેટલું વાતાવરણ સક્રિય છે. પરંતુ આજથી પચાસ વર્ષ પૂર્વેના અમદાવાદમાં જ્યારે આઠ કે નવ વાગ્યે વ્રતોના જાગરણ થતાં ત્યારે ફિલ્મો અને નાટકો જોવા માટે બહેનો થિએટરમાં પરિવારો સાથે જતી.
અમદાવાદમાં શ્રાવણ મહિનામાં જૂની રંગભૂમિના સ્પેશિલ શો થતાં. તેના માટે બાર વાગ્યા પછી નાટક ચલાવવા માટે કલેક્ટર દ્વારા સ્પેશ્યલ મંજૂરી આપવામાં આવતી. અમદાવાદના કોટ વિસ્તાર, મણીનગર, બાપુનગર, વાડજ અને સરસપુર જેવા વિસ્તારોમાં વિજય નાટક કંપની ઉપરાંતની અન્ય નાટક મંડળીઓ પણ ખુલ્લા મેદાનોમાં જાતે જ ટેન્ટ અને સ્ટેજ બાંધીને નાટકો ભજવતી.
ફિલ્મમાં ડબલ રોલ હોય એવી ઘણી ફિલ્મો આપણે જોઈ છે. ફિલ્મોમાં એક વ્યક્તિને ડબલ રોલમાં બતાવવી સરળ છે. પરંતુ જૂની રંગભૂમિમાં ડબલ રોલ દર્શાવવા એક પડકારરુપ પ્રક્રિયા હતી. એક જ વ્યક્તિના બે રોલ બતાવવા માટે સરખા લાગતાં વ્યક્તિઓને શોધીને તેને તાલીમ આપીને આખો તખ્તો ગોઠવાતો.
આ અંગે સમજાવતાં રમેશભાઈ પાંચોટિયા વધુમાં જણાવે છે કે એ વખતે શેક્સપિરિયન કોમેડી ઑફ એરર આધારિત નાટક ‘રુપકુમારી’ ભજવવામાં આવ્યું હતું. તે નાટકમાં મુખ્ય હીરો, હીરોઈન અને તેમનો જોડીદાર ત્રણેય ડબલ રોલમાં હતાં. આ જ નાટકના આધારે સંજીવકુમાર અભિનિત એક કોમેડી ફિલ્મ ‘અંગૂર’ પણ બની હતી. અમે એ વખતે ડબલ રોલ માટે અમારે એક સરખા લાગતાં ત્રણ જોડીદાર કલાકાર શોધીને તેમને તાલીમ આપવાની હતી.
નાટક ‘રુપકુમારી’માં શેઠ અને નોકર બંને જોડીદાર હતા. અમારે બે એવા જોડીદારોને શોધવાના હતા જે સરખા લાગે. મહેસાણાના લાખવડ ગામના દિગ્દર્શક ખોડીદાસ નાયકે અન્ય કલાકાર નરેન્દ્રભાઈ નાયક સાથે જુગલબંધી બનાવીને શેઠની ભૂમિકા ફાઈનલ કરી. જ્યારે બે સરખા લાગતાં નોકરની ભૂમિકામાં ધીરેન્દ્ર મીર અને બાપુલાલ નાયક જોડાયા. ડબલ રોલમાં તો ડાયલોગ્સ પણ સમાન રીતે બોલવા પડે. તે માટે લાંબી તાલીમ અને રિઅર્સલ થયા. ડબલ રોલના નાટકને 1980માં શ્રેષ્ઠ નાટકનો પારિતોષિક મળ્યો હતો.
એ વખતના શ્રાવણી માહોલમાં અગાઉથી જાહેરાત થતાં લોકો આતૂરતાપૂર્વક આ નાટકોની રાહ જોતાં. બેઠક વ્યવસ્થામાં એક તરફ ખુરશીઓ અને બાકી બધા માટે નીચે બેસવાની પ્રથા હતી. શહેરના નગરજનો, રાજકીય અગ્રણીઓ અને શ્રેષ્ઠીઓ સામાન્ય લોકોની સાથે બેસીને પરિવાર સાથે જૂની રંગભૂમિના નાટકો વ્રતોના જાગરણમાં ખાસ માણતા.