મ્યુનિ.ની સમિતિની શાળામાં જુના શિક્ષણ મંત્રીના ફોટા યથાવત્, નવા મંત્રીની બાદબાકી
કામરેજના ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરીયા શિક્ષણ મંત્રી છતાં અવગણના
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષની ઓફિસ અને સભાખંડમાં
મુકાયેલા બેનર પર હજી જીતુ વાઘાણી અને કિર્તીસિંહ વાઘેલાના ફોટો
સુરત,
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળાઓને મોડેલ તથા હાઈટેક બનાવવાની વાત કરી રહી છે, તો બીજી તરફ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી જ અપગ્રેડ થવાનું નામ લેતી નથી. સમિતિની કચેરીમાં હજી પણ જૂની સરકારના શિક્ષણ મંત્રીના ફોટોગ્રાફ જોવા મળી રહ્યાં છે. નવા મંત્રી મંડળમાં રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી સુરતના કામરેજના ધારાસભ્ય છે, તેમ છતાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમને શિક્ષણ મંત્રી ગણતી જ ન હોય તેમ શિક્ષણ મંત્રી તરીકે હજુ પણ જૂની સરકારાના મંત્રી ના જ ફોટા ચલાવી ગાડુ ગબડાવી રહી છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હાલમાં મોડેલ સ્કૂલ વિવાદમાં સપડાઇ છે. મોડેલ સ્કૂલના કોન્ટ્રાક્ટ આપવામાં કેટલાક સભ્યોની ભૂંડી ભુમિકા બહાર આવી છે. આ અંગેની જાણ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને થતાં તેઓએ મોડેલ સ્કૂલ બજેટ હેડની બાદબાકી કરાવી દીધી હતી. આ સાથે જ ભૂતકાળમાં ૨૫ કરોડનો ખર્ચ મોડેલ સ્કુલ પાછળ કર્યો હતો તેમાં પણ કૌભાંડ થયું હોવાની ફરિયાદ બહાર આવી છે. મ્યુનિ. સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તમામ સ્કૂલોનો ઈન્ટરનેટથી જોડીને તાજામાં તાજી માહિતી અપડેટ સાથે વિદ્યાર્થીઓને મળે તે માટે ઈન્ટરનેટથી સજ્જ શાળા કરવાનો દાવો કરી રહી છે. પણ વિદ્યાર્થીઓને ઈન્ટરનેટના માધ્યમથી શિક્ષણ આપીને તેમને અપગ્રેડ કરવાનો દાવો કરતી શિક્ષણ સમિતિ ખુદ અપગ્રેડ થતી નથી. આજે પણ શિક્ષણ સમિતિની વેબસાઈટ પર પૂર્વ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનું નામ જ ચાલી રહ્યું છે. એટલું જ નહીં પરંતુ શિક્ષણ સમિતિના અધ્યક્ષની કચેરી તથા જ્યાં સામાન્ય સભા થાય છે તે ખંડમાં બેકગ્રાઉન્ડમાં લગાવેલા બેનરને પણ અપગ્રેડ કરવાની તસ્દી સમિતિના શાસકોએ લીધી નથી. સમિતિના અધ્યક્ષની કચેરી તથા બોર્ડ રૃમ બહાર જે બેનર મુકવામાં આવ્યા છે, તેમાં હજી પણ શિક્ષણ મંત્રી તરીકે જીતુ વાઘાણી અને કિર્તીસિંહ વાઘેલાના જ ફોટો જોવા મળી રહ્યા છે. હાલ ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી મંડળમાં રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી તરીકે પ્રફુલ્લ પાનસેરીયા છે. તેઓ સુરતના કામરેજના ધારાસભ્ય છે અને તેઓ શિક્ષણ પ્રત્યે ઘણા જાગૃત પણ છે, તેમ છતાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમને હજી પણ શિક્ષણ મંત્રી ગણતી જ ન હોય તેમ હજી સુધી જુની સરકારના શિક્ષણ મંત્રીના ફોટાથી જ ગાડુ ગબડાવી રહી છે.