Gujarat

ઓખા-દહેરાદૂન ટ્રેનની દુર્ઘટના અટકાવી 1200 મુસાફરો પરથી મોટી ઘાત ટાળી

By GS TEAM
10 Mar 20262 mins read
ઓખા-દહેરાદૂન ટ્રેનની દુર્ઘટના અટકાવી 1200 મુસાફરો પરથી મોટી ઘાત ટાળી

રાજકોટ રેલવે ડિવિઝનમાં 7 સતર્કવીરોનું સન્માન

કોઈએ અસાધારણ અવાજને પારખ્યો તો કોઈએ તૂટેલી પિન અને કોઈએ ટ્રેક પર વેલ્ડિંગ જોઈન્ટની ખામી શોધી'તી

રાજકોટ: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને રેલવે સુરક્ષા ક્ષેત્રે ખુબ જ મહત્વપૂર્ણ કામગીરી કરી છે. ફરજ પર અસાધારણ સતર્કતા દાખવી સંભવિત અકસ્માતો અટકાવનારા ૭ રેલવે કર્મચારીઓને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને સમયસૂચકતાને કારણે ઓખા-દહેરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસને મોટી દુર્ઘટનામાંથી ઉગારી લેવાતા આશરે ૧૨૦૦ મુસાફરો પરથી મોટી ઘાત ટળી હતી.

રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું કે, ગત નવેમ્બર, ૨૦૨૫ થી જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન રાજકોટ રેલવે ડિવિઝન ક્ષેત્રમાં રેલકર્મીઓએ અનેક ગંભીર ટેકનિકલ ખામીઓ પકડી પાડી હતી. ખાસ કરીને ઓખા-દહેરાદૂન એક્સપ્રેસ જ્યારે ખંભાળિયા પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે જાગૃત કર્મચારીઓએ વ્હીલમાં રહેલા ઢીલા બોલ્ટને ઓળખી કાઢયા હતા. જો આ ખામી પર ધ્યાન ન અપાયું હોત તો મોટી દુર્ઘટના સર્જાવાની સંભાવના હતી. આ ઉપરાંત એન્જિન શન્ટિંગ દરમિયાન અસાધારણ અવાજ પરથી ટ્રેક પાસે માટીનો ધસારો શોધી કાઢીને તાત્કાલિક સમારકામ કરાવ્યું હતું. જ્યારે માલગાડીના વેગન તપાસતી વખતે નકલ પિન તૂટવાની ઘટના પકડી પાડી તેને રિપેર કરાવી હતી. આ સાથે રાજકોટ સાઇડિંગમાં ટ્રેક પર વેલ્ડિંગ જોઈન્ટની ખામી શોધી કાઢીને ટ્રેન વ્યવહાર સુરક્ષિત બનાવ્યો હતો.

આ તકે સન્માનિત થનારા રિયલ લાઈફ હીરોઝમાં સેક્શન એન્જિનિયર હિતેશકુમાર ગઢિયા ઉપરાંત લોકો પાયલટ જગદીશ પ્રસાદ સાહુ, મિતેશ વાઘેલા, જયદીપ પીઠવા, પ્રકાશ દાસ, સુનિલકુમાર યાદવ, સીતારામ ઘાસવાનો સમાવેશ થાય છે.