સ્મશાનમાં જરૂરી સુવિધા અને સુરક્ષા ઉભી કરવા માટે અધિકારીઓને જવાબદારી સોંપી
સ્મશાનોમાં લોકોને અગવડતા ન પડે તેવી વ્યવસ્થા ઊભી કરાશે
કોર્પોરેશનના 31 કર્મચારીઓ સ્મશાન અંગેના નાગરિકોના પ્રશ્નો નોંધી દૈનિક રિપોર્ટ સંબંધિત ઝોનના ડે. હેલ્થ ઓફિસરને આપશે
શહેરના સ્મશાનોમાં પ્રાથમિક સુવિધા અને સાર સંભાળ માટે અપૂરતો સ્ટાફ હોવાથી અવારનવાર વિવાદ સર્જાય છે. જેને ધ્યાનમાં રાખી મ્યુ. કમિશનરે વિવિધ વોર્ડમાં ફરજ બજાવતા 31 કર્મચારીઓને જુનિયર ક્લાર્કની હાલની કામગીરી ઉપરાંત સ્મશાનોની વિઝીટ કરવાની રહેશે. આ ઉપરાંત સ્મશાનોમાં જરૂરી સુવિધા ઉભી કરવા અધિકારીઓને વિવિધ જવાબદારી સોંપવામાં આવી છે.
જુનિયર ક્લાર્કએ પ્રતિદિન ઓછામાં ઓછા એક કલાક માટે મુલાકાત લઈ સ્મશાન અંગેના નાગરિકોના પ્રશ્નોનો રિપોર્ટ સંબંધિત ઝોનના ડે. હેલ્થ ઓફિસરને કરવાનો રહેશે. તેમજ સ્મશાનોનું સંચાલન સુચારરૂપે થાય તે માટે અધિકારીઓને જવાબદારી સોંપી છે. જેમાં સંબંધીત ઝોનના કાર્યપાલક ઇજનેરએ સ્મશાન ગૃહોમાં તમામ મેન્ટેનન્સની કામગીરી નિયમિતપણે થાય તે માટેની વ્યવસ્થા કરવાની રહેશે. પાર્કસ એન્ડ ગાર્ડન શાખાના ડાયરેક્ટરે નિયમિત સફાઈ અને ગાર્ડનીગ માટે જરૂરિયાત મુજબ કર્મચારીઓ મૂકવાના રહેશે. સ્મશાન ગૃહો બંધ કરવાનો સમય નિર્ધારિત કરાશે. લાકડાના કટીંગ માટે વ્યવસ્થા કરી સરખા માપના લાકડા પૂરા પાડવાના રહેશે. આઇટી ડાયરેક્ટર દ્વારા કામગીરીના નિરીક્ષણ નિયંત્રણ હેતુ સીસીટીવી કેમેરા લગાવવા તથા એંક્રોચમેન્ટ રીમુવ એન્ડ સિક્યુરિટી ડાયરેક્ટર દ્વારા પૂરતા પ્રમાણમાં સિક્યુરિટી સ્ટાફની ફાળવણી કરવાની રહેશે. સંબંધીત ઝોનના ડે હેલ્થ ઓફિસર દરેક સ્મશાનમાં નાગરિકોના અભિપ્રાય માટે રીવ્યુ બુક રાખશે. સ્મશાન સંચાલક /વ્યવસ્થાપકો સાથે સમીક્ષા બેઠક કરી રીવ્યુ મેળવી અહેવાલ ડે. મ્યુ કમિશનર (હેલ્થ) સમક્ષ રજૂ કરવાનો રહેશે. આઈટી વિભાગ સ્મશાન ગૃહોમાં મરણ નોંધણી માટે આપવામાં આવતી પાવતીઓ માટે સોફ્ટવેર / ક્યુ આર કોડ ડેવલપ કરશે. તેમજ અંતિમ સંસ્કાર માટે અગાઉથી સમય નક્કી કરી શકાય તે માટે ટોલ ફ્રી નંબર /મોબાઈલ એપની વ્યવસ્થા કરાશે. જન સંપર્ક અધિકારી તરફથી સ્મશાનમાં અંતિમ વિધિ માટે પૂરી પાડવામાં આવતી સાધન સામગ્રી અંગેની માહિતી દર્શાવતા બોર્ડ લગાવવાના રહેશે.