ઓનલાઇન ટાસ્કના નામે ઓફિસ સંચાલક ફસાયા, ઠગોએ 40.25 લાખ પડાવી લીધા
Vadodara Online Fraud : ઓનલાઇન ટાસ્કને નામે લાખો રૂપિયાની ઠગાઈના અવારનવાર બનાવો બની રહ્યા છે ત્યારે વડોદરાના એક ઓફિસ સંચાલકને પણ આવી જ રીતે ઓનલાઇન ઠગોએ ફસાવી રૂ.40.25 લાખ પડાવી લેતા ફરિયાદ નોંધાઈ છે.
તાંદલજાના સન ફાર્મા રોડ ખાતે રહેતા અને રેસકોર્સ વિસ્તારમાં ખાનગી ઇન્ફોટેક ઓફિસ ધરાવતા શાહિદ મોગલે પોલીસને કહ્યું છે કે, રેસ્ટોરન્ટના ઓનલાઇન ટાસ્ક દીઠ રૂ.દોઢ હજાર આપવાના નામે ઠગોએ ઓનલાઇન એકાઉન્ટ ખોલાવ્યું હતું.
મને તબક્કાવાર રૂ.4300 આપવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ મારું એકાઉન્ટ ક્લોઝ થઈ ગયું છે તેમ કહી એકાઉન્ટ ચાલુ કરવા માટે તેમજ ઇન્વેસ્ટમેન્ટ ઉપર સારું વળતર અપાવવા માટે જુદા જુદા એકાઉન્ટમાં કુલ 40.25 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. મારો નફો વધારે દેખાતો હોવાથી રકમ ઉપાડવા માટે પ્રયત્ન કરતા આ રકમ ઉપડી ન હતી. જેથી મારી સાથે સાયબર ફ્રોડ થયો હોવાનું જણાય આવતા ફરિયાદ કરી હતી.