વડોદરામાં હજી સંખ્યાબંધ બોગસ બર્થ સર્ટિફિકેટ મળવાની શક્યતા,છાણીમાંથી મળેલા સર્ટિફિકેટ અંગે 3 જણા સામે ગુનો

વડોદરાઃ છાણીની વોર્ડ ઓફિસમાંથી ડુપ્લિકેટ બર્થ સર્ટિફિકેટ મળી આવવાના પ્રકરણમાં પોલીસે ત્રણ જણા સામે આઠમો ગુનો નોંધ્યો છે.ક્રાઇમ બ્રાન્ચ પણ આ તપાસમાં સામેલ થઇ છે.
છાણી ટીપી-૧૩ વિસ્તારમાં ડિંગડોંગ ચોકડી પાસે આવેલી કોર્પોરેશનની વોર્ડ ઓફિસમાં ગઇકાલે આધાર કાર્ડ માટે બોગસ બર્થ સર્ટિફિકેટ લઇ આવેલા રજનીકાન્ત કનુભાઇ ડાભી(ગાંધીનગર,ટીપી-૧૩,છાણી) સામે કાર્યવાહી કરી હતી.
પૂછપરછ દરમિયાન રજનીકાન્તે તેમના મિત્ર તસ્લીમખાન સલીમખાન સૈમુલીખાન પઠાણ(ચિસ્તીયાનગર,છાણી જકાત નાકા પાસે)ને જાણ કરતાં તેણે સરતાજઅલીખાન મુન્તિયાજઅલીખાન(રોશનનગર,નવાયાર્ડ) મારફતે ડુપ્લિકેટ સર્ટિફિકેટ બનાવ્યું હોવાની વિગતો ખૂલી હતી.
જેથી ફતેગંજ પોલીસે ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.ત્રણેય જણા પકડાયા બાદ ડુપ્લિકેટ દાખલો ક્યાં તૈયાર થયો છે અને બીજા દાખલા બન્યા છે કે કેમ તેની વિગતો ખૂલશે.કોર્પોરેશનના આધારકાર્ડ વિભાગના ઇન્ચાર્જ શમિક જોષીએ કહ્યું હતું કે,હજી આ પ્રકારના બોગસ સર્ટિફિકેટ મોટા પ્રમાણમાં મળી શકે તેવી શક્યતા છે.જેથી કૌભાંડના મૂળ સુધી પહોંચવું જરૃરી છે.









