Get The App

OFFBEAT : 'તેજ રફતાર' ગુજરાતમાં દર આઠ કલાકે એક હિટ એન્ડ રનની ઘટના, રાજ્યમાં સર્વવ્યાપી ભ્રષ્ટાચારના કિસ્સા

મહિલા અને બાળકો માટે ગુજરાત સલામત છે ખરૂં?

લગ્નની નોંધણીના પ્રમાણપત્ર માટે ય લાંચ લેવાય છે

Updated: Nov 20th, 2023


Google NewsGoogle News
OFFBEAT : 'તેજ રફતાર' ગુજરાતમાં દર આઠ કલાકે એક હિટ એન્ડ રનની ઘટના, રાજ્યમાં સર્વવ્યાપી ભ્રષ્ટાચારના કિસ્સા 1 - image


ગુજરાતના રાજકારણ, શહેરો અને ગામડાઓની ક્રાઇમની ઘટનાઓ, પંચાયતથી લઇને વિધાનસભા સુધીની ખાસ માહિતી, મોંઘવારી અને રોજગારીના પ્રશ્નોની વાચા, કૌભાંડ અને કૌભાંડીઓનો પર્દાફાશ, રાજનેતા અને સરકારી બાબુઓના અંદરની વાત.... આવી તમામ મોટી ખબરો દર સોમવારે 'ઑફબિટ'માં વાંચો.

1. ગુજરાતમાં દર આઠ કલાકે એક હિટ એન્ડ રનની ઘટના

ગુજરાતમાં વાહનોની રફતાર રોકવા માટે પોલીસે વસાવેલા આધુનિક સાધનો ધૂળ ખાઇ રહ્યાં છે, કેમ કે રાજ્યમાં પ્રતિ આઠ કલાકે હીટ એન્ડ રનનો એક કેસ નોંધાઇ રહ્યો છે. પોલીસના ચોપડે નોંધાયેલા કેસો ખૂબ ગંભીર સ્થિતિ દર્શાવે છે. એપ્રિલ 2022 થી માર્ચ 2023ના આંકડા જોતાં પ્રતિદિન ત્રણ લોકો દુર્ઘટનાનો શિકાર બન્યાં છે. રાજ્યના ચાર મહાનગરો અને જિલ્લાના નાના શહેરોમાં એક વર્ષમાં હીટ એન્ડ રનના 4860 બનાવો બન્યાં હતા જેમાં 3449 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 2720 લોકો ઘાયલ થયાં છે. હીટ એન્ડ રનના 70 ટકા બનાવો ઘાતક નિવડયાં છે. વાહનોની સ્પીડને નિયંત્રિત કરવાના પોલીસ વિભાગના દાવાનો છેદ ઉડી ગયો છે. હેલ્મેટ અને સીટબેલ્ટમાં ટ્રાફિક નિયમનના ભંગ બદલ વાહનચાલકો પાસેથી આકરો દંડ ઉઘરાવતી પોલીસ વાહનોની સ્પીડ કન્ટ્રોલ કરી શકતી નથી. લોકમુખે ચર્ચા છે કે, માલેતુજાર પરિવારોના સંતાનો બેફામ બન્યા છે ત્યારે પોલીસની આબરૂના ધજાગરા થઇ રહ્યાં છે અને નિર્દોષ લોકોનો બલી ચઢી રહ્યો છે.

OFFBEAT : 'તેજ રફતાર' ગુજરાતમાં દર આઠ કલાકે એક હિટ એન્ડ રનની ઘટના, રાજ્યમાં સર્વવ્યાપી ભ્રષ્ટાચારના કિસ્સા 2 - image

2.IAS મોના ખંધાર એક સાથે ત્રણ ખુરશી સંભાળે છે...

રાજ્યના મહિલા આઇએએસ અધિકારી મોના ખંધાર પર હાલ તો સરકાર મહેરબાન હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે તેમને ત્રણ-ત્રણ મહત્વના હવાલા આપવામાં આવેલા છે. તેઓ પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના અગ્રસચિવ છે. એ ઉપરાંત તેમને મહેસૂલ વિભાગની અતિ મહત્વની જગ્યા રેવન્યુ ઇન્સ્પેક્શન કમિશનરનો પણ વધારાનો હવાલો આપવામાં આવ્યો હતો. એ ઉપરાંત તેમને વિજય નહેરાનો સાયન્સ એન્ડ ટેકનોલોજીનો વધારાનો હવાલો આપવામાં આવેલો છે. આ ત્રણ વિભાગો સંભાળતાં મોના ખંધાર દિલ્હી ડેપ્યુટેશનથી રાજ્યની કેડરમાં પરત આવેલા છે. મોના ખંધારની જેમ સરકારના વિભાગોમાં 8 જેટલા અધિકારીઓને વધારાના હવાલા સોંપવામાં આવેલા છે. 

OFFBEAT : 'તેજ રફતાર' ગુજરાતમાં દર આઠ કલાકે એક હિટ એન્ડ રનની ઘટના, રાજ્યમાં સર્વવ્યાપી ભ્રષ્ટાચારના કિસ્સા 3 - image

3. હવે તો લગ્ન નોંધણીના સર્ટિફિકેટ માટે પણ લાંચ...

ભ્રષ્ટાચારના એપિસેન્ટર બની રહેલા ગુજરાતમાં ચારેકોર લોકોને લુંટવાની જ કામગીરી થઈ રહી છે. સરકારી કચેરીઓમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ થઇ ગયો છે તેવો અર્થવિહિન દાવો કરવામાં આવે છે પરંતુ લાંચનું દૂષણ એટલી હદે ફેલાઇ ચૂક્યું છે કે હવે તાજા લગ્ન કરીને તેની નોંધણી કરાવવા આવતા દંપત્તિ પાસેથી પણ લાંચ માગવામાં આવી રહી છે. તાજેતરમાં મોરબી નગરપાલિકાના જૂનિયર ક્લાર્ક મહેન્દ્ર ખાખી માત્ર ૪૦૦૦ રૂપિયાની લાંચ લેતા પકડાયા છે. લગ્નની નોંધણીનું સર્ટિફિકેટ આપવા માટે તેમણે આ લાંચની રકમ માગી હતી પરંતુ એન્ટી કરપ્શન બ્યુરોના છટકામાં તેઓ ઝડપાયા છે. કિસ્સો નાનો છે પરંતુ કહેવાનો અર્થ એ છે કે જિલ્લાકક્ષાએ તેમજ સ્થાનિક સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર એટલો બધો વધી ગયો છે કે જેને કન્ટ્રોલ કરવો કઠીન છે. 

OFFBEAT : 'તેજ રફતાર' ગુજરાતમાં દર આઠ કલાકે એક હિટ એન્ડ રનની ઘટના, રાજ્યમાં સર્વવ્યાપી ભ્રષ્ટાચારના કિસ્સા 4 - image

4. મહિલા અને બાળકો માટે ગુજરાત સલામત છે ખરૂં?

મહિલા અને બાળસુરક્ષાની વાતો કરતી ગુજરાતની ભાજપ સરકારમાં બન્ને વર્ગ અસુરક્ષિત છે. અડધી રાતે ગુજરાતમાં મહિલાઓ એકલી ફરી શકે છે તેવા દાવા થયા હતા પરંતુ સત્તાવાર આંકડા સુરક્ષાની પોલ ખોલી રહ્યાં છે. મહિલાઓ સામે થયેલી છેડતીના કિસ્સા 2021-22માં 1181 હતા તે વધીને 2022-23ના વર્ષમાં 1239 થયાં છે. છેડતીના સૌથી વધુ 220 બનાવો એકલા અમદાવાદમાં નોંધાયા છે. એવી જ રીતે રાજ્યમાં બાળકો સામેના ગુના પણ વધ્યાં છે. ૨૦૧૬માં 37.09 ટકા ગુના સામે 2021માં તે વધીને 53.39 ટકા થયાં છે. બાળકો સામે સૌથી વધુ જાતિય ગુનાઓ નોંધાઇ રહ્યાં છે. ગુજરાતની પોલીસ સબ સલામતના દાવા કરે છે પરંતુ કેન્દ્રીય એજન્સીના આંકડા ગૃહ વિભાગની કામગીરી સામે સીધો સવાલ કરે છે. લોકોમાં ચર્ચા છે કે, અધિકારીઓ અને મંત્રીઓને ખરેખર મહિલાઓ અને બાળકોની સુરક્ષામાં રસ જ નથી. તેઓને માત્ર ઉદઘાટનો કરવામાં અને સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેવામાં જ રસ છે.

5.CMOના નકલી અધિકારીને કોણે ભગાડી મૂક્યો?

મુખ્યમંત્રીના કાર્યાલયમાં ફરજ બજાવતો હોવાનું કહીને લોકોને ઠગનાર વિરાજ પટેલ પોલીસને હાથતાળી આપીને ભાગી જતાં પોલીસની સુરક્ષા વ્યવસ્થા શંકાના દાયરામાં આવી ચૂકી છે. આ વિરાજ પટેલને પોલીસે ગયા એપ્રિલ મહિનામાં છેતરપીંડી, દુષ્કર્મ કેસ ઉપરાંત નકલી અધિકારીની ઓળખ આપવા બદલ ધરપકડ કરી હતી. તે વડોદરાની મધ્યસ્થ જેલમાં બંધ હતો. સુનાવણી માટે તેને જ્યારે કોર્ટમાં લાવવામાં આવ્યો ત્યારે ફરાર થઇ ગયો હતો. તેણે એક યુવતીને ગિફ્ટ સિટીના અધ્યક્ષ તરીકેને ઓળખ આપીને ફસાવી હતી. આ યુવતીને ગિફ્ટ સિટીની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાનો તેણે વાયદો કરી તેનું શોષણ કર્યું હોવાથી યુવતીએ તેની વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. સવાલ એ થાય છે કે આવા ઠગબાજને ભગાડવામાં કોને મદદ કરી છે. તેના પર કોના આશીર્વાદ છે. આ મામલો ઉચ્ચ તપાસનો વિષય બન્યો છે.

6. શુભમનનો પરિવાર રૂપાણીને મળતાં આશ્ચર્ય

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હમણાં ક્યાંય ચર્ચામાં નથી. રાજકીય રીતે રૂપાણી હાંસિયામાં જ ધકેલાઈ ગયા છે ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર શુભમન ગિલનો પરિવાર રૂપાણીને મળતાં આશ્ચર્ય સર્જાયેલું. સામાન્ય રીતે લોકો સત્તામાં હોય તેને મળવાનું પસંદ કરતા હોય છે એ જોતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે પ્રદેશ પ્રમુખ સી.આર પાટિલને મળે પણ રૂપાણીને ભાગ્યે જ કોઈ મળે. ભાજપના ગુજરાતના નેતાઓ રૂપાણીને મળવા જતા નથી ત્યારે શુભમનના પરિવારે રૂપાણીને મળવાનું કેમ પસંદ કર્યું એ સવાલ ઉઠયો હતો. તેનો જવાબ એ છે કે, રૂપાણી ભાજપના પંજાબના પ્રભારી છે તેથી નિયમિત રીતે પંજાબની મુલાકાત લે છે. શુભમનના પિતા લખવિંદરસિંહ ખેડૂત છે પણ રાજકારણમાં રસ ધરાવે છે. સૂત્રોનું કહેવું છે કે, લખવિંદરની ઈચ્છા ભવિષ્યમાં પંજાબમાંથી વિધાનસભાની ચૂંટણી લડવાની છે તેથી રૂપાણી સાથે ઘરોબો કેળવી રહ્યા છે.

OFFBEAT : 'તેજ રફતાર' ગુજરાતમાં દર આઠ કલાકે એક હિટ એન્ડ રનની ઘટના, રાજ્યમાં સર્વવ્યાપી ભ્રષ્ટાચારના કિસ્સા 5 - image

Google NewsGoogle News