VIDEO: GSRTCના 'સુરિલા ડ્રાઇવર' ગુલાબસિંહ: ડ્યુટી પત્યા પછી બસમાં ગીતો ગાઈને મુસાફરોને મોજ કરાવે છે

Panchmahal News: ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ (GSRTC)ની બસમાં મુસાફરી કરતા લોકોને આજકાલ એક ખાસ અને આનંદદાયક અનુભવ મળી રહ્યો છે. પંચમહાલ જિલ્લાના દેવગઢ બારીઆ ડેપોના ડ્રાઇવર ગુલાબસિંહ તેમના ડ્રાઇવિંગની ફરજ પૂરી થયા પછી ઓફ-ડ્યુટી સમયે અન્ય બસોમાં મુસાફરોનું મનોરંજન કરીને સૌનું દિલ જીતી રહ્યા છે.
લાંબી મુસાફરીનો કંટાળો દૂર કરવા માટે, ગુલાબસિંહ ડ્રાઇવિંગ ડ્યુટી પત્યા બાદ કે ફ્રી સમયમાં માઇક અને સ્પીકર લઈને GSRTCની બસમાં પહોંચી જાય છે અને પોતાના સુરીલા અવાજમાં હિન્દી અને ગુજરાતી ગીતો ગાવાનું શરૂ કરી દે છે. તેમના ભક્તિ ગીતો, લોકગીતો અને જૂના ફિલ્મી ગીતોથી મુસાફરોનો મૂડ ખુશખુશાલ થઈ જાય છે અને મુસાફરીનો કંટાળો દૂર થઈ જાય છે.
શોખ અને સેવાભાવનું અનોખું મિલન
ગુલાબસિંહ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રાજગઢ પાલ્લા ગામના વતની છે. ડ્રાઇવિંગની ફરજની સાથે, તેઓ એક કલાકાર તરીકે પણ જાણીતા છે. તેઓ માત્ર મુસાફરોને સુરક્ષિત રીતે ગંતવ્ય સ્થાને પહોંચાડવાની ફરજ નથી બજાવતા, પરંતુ પોતાના શોખ દ્વારા મુસાફરોને ખુશ પણ રાખે છે. બસ ઉપરાંત, તેઓ બસ ડેપો પર પણ માઇક લઈને ગીતો ગાઈને મુસાફરોનું મનોરંજન કરતા જોવા મળે છે.
ગુલાબસિંહના જણાવ્યા મુજબ, તેમને ગીતો ગાવાનો શોખ પહેલેથી જ છે. તેમનો માનવું છે કે, 'બસમાં બેઠેલા તમામ મુસાફરો મારા પરિવાર સમાન છે. હું ઈચ્છું છું કે લોકોને મારી બસમાં મુસાફરી કરવામાં આનંદ મળે. જો મારા ગીતોથી કોઈના ચહેરા પર સ્મિત આવે તો મને સંતોષ થાય છે.'
ગુજરાત એસટીના આ 'કલાકાર' ડ્રાઇવર ગુલાબસિંહના ઓફ-ડ્યુટી પ્રયાસોની મુસાફરો પર હકારાત્મક અસર જોવા મળી રહી છે, જેના કારણે તેમના ગીતો ગાતા વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યા છે. મુસાફરો માટે તેમની સાથેની મુસાફરી ખરેખર યાદગાર બની જાય છે.