જામનગર પાલિકા દ્વારા આયોજિત શ્રાવણી મેળાનો નકશો જારી કરાયો : 43 નાના-મોટા પ્લોટ બનાવાયા
Jamnagar Shravani Mela : જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વખતે પણ પ્રદર્શન મેદાનમાં આગામી તારીખ 10 ઓગસ્ટથી 24 ઓગસ્ટ સુધીના 15 દિવસના શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગેનો નકશો મહાનગરપાલિકા દ્વારા જારી કરાયો છે. જેમાં નાના-મોટા રમકડા સ્ટોલ રાઈ,ફૂડ ઝોન સહિતના 43 પ્લોટ ફાળવવામાં આવ્યા છે. જેની ટેન્ડર પ્રક્રિયાઓ શરૂ થઈ રહી છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત ગત વર્ષના શ્રાવણી મેળા કરતાં ગ્રાઉન્ડ નાનું થઈ જવાના કારણે છ પ્લોટનો ઘટાડો કરાયો છે. જે પૈકી મશીન મનોરંજનની મોટી આઈટમ માટે છ પ્લોટ ફાળવવામાં આવ્યા છે. જ્યારે ચિલ્ડ્રન રાઈડ માટે આઠ ઉપરાંત રમકડાં માટેના પણ છ પ્લોટ પાડવામાં આવ્યા છે.
આ ઉપરાંત ફૂડ ઝોન, હેન્ડ ઓપરેટેડ રાઈડ અને પોપકોર્નના સાત સાત પ્લોટ તથા આઈસ્ક્રીમના બે જૂથ માટેના પ્લોટ ફાળવવામાં આવ્યા છે. આ રીતે કુલ 43 પ્લોટમા મેંળો યોજવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદર્શન મેદાનમાં મેળાની મુલાકાતે પ્રવેશનારા લોકો માટેના ત્રણ પ્રવેશ દ્વાર બનાવાયા છે, જ્યારે દર્શન મેદાનની ફરતે તમામ સાઈડ પરથી ઇમરજન્સી એક્ઝિટ ગેઇટ પણ બનાવાયા છે. જેથી ભીડભાડ ની સમસ્યા રહે, તો લોકોને ત્યાંથી બહાર કાઢી શકાય. તે માટે ની જગ્યા ફાળવીને રસ્તાઓ ખુલ્લા રાખવામાં આવ્યા છે.
આ ઉપરાંત લોકોને પીવાના પાણી માટે બે વોટર પોઇન્ટ બનાવાયા છે. બે ટોયલેટ બ્લોક બનાવાયા છે. મહાનગરપાલિકાની વ્યવસ્થા માટેની બે અલગ અલગ હંગામી ઓફીસ અને મેડિકલ ઉપરાંત ફાયર ટેન્ટ પણ અલગથી ઉભા કરાઈ રહ્યા છે. સાથે-સાથે એક હંગામી પોલીસ ચોકી પણ બનાવાઇ છે, જેમાં સીસીટીવી કેમેરાનો કંટ્રોલરૂમ જોડવામાં આવ્યો છે. ત્યારે મેળાની સુરક્ષા માટે બે વોચ ટાવર પણ ઊભા કરાશે. જે તમામ વ્યવસ્થાની કામગીરી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા કરવામાં આવી રહી છે અને તેની ટેન્ડર પ્રક્રિયાઓ હાથ ધરી લેવાઇ છે.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન.મોદી તેમજ ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ સીટી ઇજનેર ભાવેશ જાની, કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા તથા અન્ય એસ્ટેટ શાખાની ટીમ દ્વારા મેળાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં સોલિડ વેસ્ટ શાખા, લાઈટ શાખા તેમજ તેને સંલગ્ન જુદી જુદી શાખાઓ પણ મદદમાં જોડાઈ છે. અને ફાયર તંત્ર પણ સહયોગમાં રહ્યું છે.જામનગર મહાનગરપાલિકાના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક જૂથના નેતા આશિષ જોષી તથા દંડક કેતનભાઇ નાખવા વગેરે પદાધિકારીઓની ટીમ દ્વારા પણ સમગ્ર મેળા વ્યવસ્થા કરવામાં આવી રહી છે, અને જામનગરના ઉત્સવ પ્રેમી લોકો શ્રાવણી મેળાની મોજ માણી શકે, તે પ્રમાણેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ઉપરાંત જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ સુરક્ષા વ્યવસ્થા અંગે પણ પ્રક્રીયાઓ શરૂ કરી દેવામાં આવી છે.