માછીમારી બોટમાં વાપરવા માટેનું 900 લિટર એલડીઓ પકડાયું
એસઓજી અને પુરવઠા તંત્રની ટીમે વાહન રોકી ચાલકની પૂછપરછ કરતાં 3 માછીમારને વેચ્યાની કબૂલાત, 10 લાખનો મુદ્દામાલ જપ્ત
બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે જિલ્લા પુરવઠા અધિકારી કે.બી. સોલંકીની ટીમને સાથે રાખીને સલાયાના બંદર ખાતે દરોડાની કાર્યવાહી કરી હતી. દરોડા દરમિયાન વાહનના ચાલક દીલુભા નટુભા ગોહિલની પૂછપરછ કરતા એલ.ડી.ઓ. તેણે જામનગરના જીઆઈડીસી વિસ્તારમાં આશાપુરા એન્ટરપ્રાઇઝ ખાતેથી ૨૪૦૦ લીટર પ્રવાહી ભરી, સલાયામાં જુદા જુદા ત્રણ માછીમારોને ૫૦૦-૫૦૦ લીટરનું વેચાણ કર્યું હતું. ટાંકામાં બાકીનું ૯૦૦ લીટર એલ.ડી.ઓ. હોવાનું જણાવ્યું હતું. જે તેણે જામનગરના કનસુમરા વિસ્તારમાં આશાપુરા એન્ટરપ્રાઇઝ ખાતેથી તુરાજસિંહ તખતસિંહ જાડેજા (રહે. જામનગર)ની સૂચનાથી ભરીને સલાયા બંદર ખાતે ડિલિવરી આપવા માટે આવ્યો હોવાની કબુલાત આપી હતી. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે પોલીસે જુદા જુદા સ્થળોએથી પેટ્રોલિયમ જથ્થાના સેમ્પલો લઈ અને ૯૦૦ લીટર આ પેટ્રોલિયમ પેદાશ મળી કુલ રૂ. ૧૦,૧૩,૦૦૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો.


